અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન નોંધાયું છે,
અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન નોંધાયું છે, જ્યાં ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે. જિલ્લાના ૧૭,૧૧૮ ખેડૂતો હાલમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી ચૂક્યા છે, જે
અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન નોંધાયું છે,


અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન નોંધાયું છે, જ્યાં ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે. જિલ્લાના ૧૭,૧૧૮ ખેડૂતો હાલમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી ચૂક્યા છે, જેના પરિણામે ૧૮,૯૭૮ એકર જમીન પર ઝેરમુક્ત ખેતી થઈ રહી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જમીનની ઉર્વરક શક્તિ જાળવવા માટે ગાયના ગૌમૂત્ર, ગોબર, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવી સ્વદેશી અને પર્યાવરણમિત્ર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ દ્વારા જમીનમાં રહેલ જીવસૃષ્ટિ સક્રિય રહે છે, પાણીની બચત થાય છે અને પાક વધુ સ્વસ્થ તેમજ પોષક બને છે.

જિલ્લા કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તાલુકા સ્તરે વર્કશોપ, પ્રદર્શન પ્લોટ અને ખેડૂત મીટીંગો દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માહિતી પહોંચાડવામાં આવી રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ, દાળ તથા શાકભાજી જેવા પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉછેર થતો હોવાથી બજારમાં ઝેરમુક્ત ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે.

ખેડૂતોનો અનુભવ છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાનો ઉપરાંત જમીનની ઉર્વરક શક્તિ લાંબા ગાળે જળવાઈ રહે છે. વધુમાં, ગ્રાહકોને સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણિક અવશેષમુક્ત અન્ન મળે છે, જે આરોગ્ય માટે લાભદાયક છે.

આ પહેલને વધુ ગતિ આપવા જિલ્લા કૃષિ વિભાગ, વિવિધ સહકારી સંસ્થાઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સતત પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લો પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં રાજ્ય માટે એક પ્રેરણાદાયક મોડેલ તરીકે ઉભરી રહ્યો છે.

પ્રાકૃતિક ખેતી તરફનો આ પરિવર્તન માત્ર કૃષિ ક્ષેત્ર માટે નહીં પરંતુ પર્યાવરણ અને જન આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande