નવસારી, 9 ઓગસ્ટ (હિ.સ.)- ગુજરાત રાજ્યમાં આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપક્રમે નવસારી જિલ્લામાં 177 વાંસદા વિધાનસભા મત વિસ્તાર માટેનો કાર્યક્રમ એગ્રીમોલ, મોટીભમતી, વાંસદા ખાતે રાજ્ય કક્ષાના રમત ગમત અને યુવક સેવા, વાહનવ્યવહાર, ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મંત્રીના વરદ હસ્તે નવસારી જિલ્લાના વિવિધ આદિજાતીના કુલ-10 લાભાર્થીઓને રૂ.9.86 લાખની વિવિધ સહાય અને લાભો વિતરણ કરાયા હતા. આ સાથે વિશિષ્ટ કામગીરી થકી નવસારી જિલ્લાનુ નામ ઉજાગર કરનારા 12 નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે રા.ક.મંત્રી હર્ષ સંધવીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન ફક્ત આદિવાસી સમાજ માટે જ નહી સમગ્ર દેશ માટે ગર્વ અને પ્રેરણાદાયક છે. ભગવાન બિરસા મુંડાનું જીવન આજની યુવા પેઢી તથા આગામી પેઢીઓ માટે પણ દિશા સૂચક બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આઝાદી સમયે આદિવાસી સમાજ સહિત આ વિસ્તારનો વિકાસ થશે એમ એક સ્વપ્ન કેળવ્યું હતું જેને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્તમાન સરકાર પુરુ કરી રહી છે. આ વિસ્તારના નાગરીકો આદિજાતિ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, કૃષિ, રોજગાર અને રમત ગમત ક્ષેત્રે ક્રાંતિકારી સિધ્ધિ હાંસિલ કરી દેશ અને દુનિયામાં ડંકો વગાડે તેવુ પ્લેટફોર્મ વર્તમાન સરકારે આપ્યું છે એમ ઉમેર્યુ હતું.
મંત્રીએ અંતે રક્ષાબંધનના પવિત્ર દિવસે તમામ આદિજાતિ બહેનોને ઉદ્દેશીને વિનંતી કરી હતી કે, સમાજમા રહેલા દુષણોને અટકાવવા ગુજરાત પોલીસનો સાથ સહકાર આપે. એક જાગૃત નારી તરીકે સમાજમા બનતા ગુના, શોષણ કે અન્ય કોઇ કુપ્રથાઓને નાથવા જાગૃત નાગરીક તરીકે આવા ગુનાઓની જાણકારી પોલીસને આપે. તથા પોતાના પરિવાર સહિત સમાજમા બાઇક ચલાવતા દરેક ભાઇની સુરક્ષા માટે તેઓને હેલ્મેટ પહેરવા જરૂર અનુરોધ કરે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમા છે. જિલ્લામાં શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, ઓરડા, ટોયલેટ બ્લોક અને મિડ-ડે મીલ શેડ જેવા માળખાકીય કામો માટે ₹ 1,622 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે આંગણવાડી મકાન અને શેડ માટે ₹55.60 લાખનો ખર્ચ થયો છે. વિદેશ અભ્યાસ માટે 3 વિદ્યાર્થીઓને ₹45 લાખની લોન આપવામાં આવી છે.
ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 93 કેમ્પ દ્વારા 1,45,718 લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ‘લખપતિ દીદી’ યોજના હેઠળ આદિજાતિ મહિલાઓને ₹496 લાખની સહાય તેમજ ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ 43,448 બાળકોને ₹769 લાખના ખર્ચે દૂધ વિતરણ થયું છે.
બોર્ડર વિલેજ આવાસ યોજના અંતર્ગત ₹1,813 લાખના ખર્ચે 1,580 આવાસોનું નિર્માણ, ડ્રીપ ઇરીગેશન માટે ₹58 લાખની સહાય, તેમજ વન અધિકાર, પીએમ જનમન આવાસ, હોસ્ટેલ અને વીજળીકરણ માટે ₹1,778 લાખની સહાય આપવામાં આવી છે. રોજગાર સર્જન માટે દુગ્ધાળ પશુ, બકરા ઉછેર, થ્રેશર, મંડપ સહાય અને ટીસ્યુ કલ્ચર કેળ જેવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. તેમણે વર્તમાન સરકારના પ્રયત્નનો થકી આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતે મંત્રી હર્ષ સંઘવીને સ્થાનિક આદિજાતી બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
નોંધનિય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે રાજ્યકક્ષાના માંડવી ખાતેના કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના માર્ગ નિર્માણ, પાણી પુરવઠા સુવિધા, જાહેર સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું કુલ રૂ.1672 લાખના ખર્ચે 398 કામોનું લોકર્પણ અને ખાતમુહુર્ત કરાશે.
કાર્યક્રમમાં પ્રાયોજના વહિવટદાર વાંસદા પ્રણવ વિજયવર્ગીય દ્વારા સ્વાગત પ્રવચન કરી પ્રાયોજના કચેરી અંતર્ગત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તથા ભગવાન બીરસામુંડાના જીવન સહિત આઝાદીને લડતમા આપેલ બલિદાનને ઉજાગર કરી સમગ્ર સમાજને આત્મગૌરવ લેવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે નવસારી અને વાંસદાના સ્થાનિક કલાકારોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી મહાનુભાવો સહિત સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, તા. પં. વાંસદા પ્રમુખ દિપ્તીબેન પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ, સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે