વડોદરા, 9 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા મધ્યસ્થ જેલમાં આજે રક્ષાબંધનના પાવન પર્વની અનોખી ઉજવણી જોવા મળી. ભાઈ-બહેનના આ અતૂટ સ્નેહના તહેવારને અવસર માનીને જેલ પ્રશાસન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં કેદીઓની સગી બહેનોને ભાઈઓને રાખડી બાંધવાની મંજૂરી આપવામાં આવી. સવારે ૮ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આ મુલાકાતનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે બહેનો એક પછી એક પોતાના ભાઈ સુધી પહોંચી, પ્રેમ અને લાગણીના બંધનમાં રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
આ પ્રસંગે અનેક બહેનોની આંખોમાં લાગણીના આંસુ છલકાયા. લાંબા સમય પછી પોતાના ભાઈને મળવાનો આનંદ અને સાથે જ વિયોગની પીડા, બંને ભાવનાઓ સ્પષ્ટ દેખાતી હતી. કેદીઓએ પણ બહેનોના પ્રેમનો સ્વીકાર કરતાં તેમની કાળજી રાખવાની કસમ ખાધી. અનેક કેદીઓએ જણાવ્યું કે આ પળો તેમના માટે જીવનભર યાદગાર બની રહેશે.
જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, બહેનોને ઓળખપત્ર ચકાસણી બાદ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને રાખડી સાથે લાવવામાં આવેલી મીઠાઈની પણ તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને સુરક્ષાના તમામ નિયમોનું પાલન થયું. કેદીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બહારથી લાવવામાં આવેલી દૂધ બનાવટની વસ્તુઓને પ્રતિબંધિત રાખવામાં આવી હતી.
આવા પ્રસંગો કેદીઓમાં પરિવાર પ્રત્યેની લાગણીને તાજી કરે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરણા આપે છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારે વડોદરા મધ્યસ્થ જેલના દીવાલો વચ્ચે પણ પ્રેમ, સ્નેહ અને માનવતાની સુગંધ ફેલાવી દીધી. આ રીતે, બંધનના તંતુઓએ જેલના વાતાવરણને પણ પર્વની ખુશીઓથી રંગી નાખ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya