ભાવનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળમાં સ્વચ્છતા અભિયાન – 2025 અંતર્ગત શુક્રવારે સઘન સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાન C&W સિક લાઇન-ભાવનગર, C&W સિક લાઇન-વેરાવળ, ટ્રેન ડ્યૂટી ઓફિસ-પોરબંદર, ટ્રેન ડ્યૂટી ઓફિસ-ધોળા, ટ્રેન ડ્યૂટી ઓફિસ-બોટાદ સ્ટેશન, બોટાદ રેલવે કોલોની, જેતલસર યાર્ડ, ધોળા રેલવે કોલોની અને જામજોધપુર રેલવે સ્ટેશન પરિસરમાં યોજાયું હતું, જ્યાં રેલવે કર્મચારીઓએ મળીને સ્વચ્છતાના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સફાઈ કાર્ય કરી “સ્વચ્છતા અભિયાન 2025”ને સફળ બનાવ્યું હતું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર આ અભિયાનનો હેતુ રેલવે પરિસર, પ્લેટફોર્મ, ટ્રેનો અને કચેરીઓમાં સ્વચ્છતાના સ્તરને વધુ સુધારવો તથા મુસાફરોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. અભિયાન અંતર્ગત—
• સ્ટેશન પરિસર, મુસાફરો માટેના પ્રતીક્ષાલય, શૌચાલય, પ્લેટફોર્મ તથા પટરીઓની ગહન સફાઈ કરવામાં આવી.
• મુસાફરોને પોલિથિનનો ઉપયોગ ન કરવા તથા કચરો નિર્ધારિત ડબ્બામાં નાખવા પ્રેરિત કરવામાં આવ્યા.
• પોસ્ટર, બેનર અને માઇક દ્વારા જાહેરજાગૃતિ સંદેશો પ્રસારિત કરાયા.
• પ્લેટફોર્મ, ટ્રેક, યાર્ડ અને સિક લાઇન વિસ્તારની સફાઈ.
• અનાવશ્યક કબાડ અને બિનજરૂરી સામગ્રીની ઓળખ તથા દૂર કરવાનું કાર્ય.
• કર્મચારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાત્મક વાતચીત.
• બાયો-ટોયલેટ્સ, ક્લીનિંગ ઉપકરણો અને વોશિંગ પોઈન્ટ્સની સફાઈ.
• કચરાનું વિભાજન, ભીનું/સૂકું કચરાના નિકાલ અંગે માર્ગદર્શન.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું કે, “સ્વચ્છતા માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ એ આપણી જવાબદારી છે અને એ આપણી આદત બનવી જોઈએ. મુસાફરો અને કર્મચારીઓ મળીને રેલવેને સ્વચ્છ અને સુંદર બનાવે.” તેમણે મુસાફરોને અપીલ કરી કે તેઓ ટ્રેન અને સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખવામાં પોતાનો યોગદાન આપે અને આ અભિયાનને સતત સફળ બનાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ