જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણી પૂનમના દિવસે છોટીકાશીનું બિરૂદ ધરાવતા જામનગરમાં માત્ર બ્રાહ્મણોની સાથે જ ક્ષત્રિય સમાજના પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તેમના પરિવારજનોએ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે જનોઇ બદલાવવાની વિધી સંપન્ન કરી હતી.
આજરોજ જામનગરમાં ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના પૂર્વ ધારાસભ્ય એવા ક્ષત્રિય સમાજના આગેવાન ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ તેમના પરિવારજનોની સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલાવાની વિધિ સંપન્ન કરી હતી.
આ જનાોઇ બદલવાની વિધિ અંગે શાસ્ત્રી અશોકભાઈએ જણાવ્યું હતું કે જનોઈ પહેરવી એ આપણા વેદોમાં જણાવ્યા મુજબ ક્ષત્રિય સમાજ બ્રાહ્મણ સમાજ અને વૈશ્ય સમાજ,શુદ્ર સમાજ ચારેય માટે આવશ્યક છે. આ જનોઈ પહેર્યા પછી એના નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી છે.
આ જનોઈ દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણોની સાથે સાથે ક્ષત્રિય સમાજ અને વૈશ્ય સમાજ,શુદ્ર સમાજના લોકો જનોઇ બદલતા હોય છે. વેદોમાં જણાવ્યા મુજબ જનોઈમાં ભગવાનનો વાસ છે ત્રણ ગાંઠમાં ત્રણ દેવો છે. જ્યારે નવતંતુમાં દેવતાઓનો વાસ છે.
આ જનોઇ પહેરવાનો વૈદિક અધિકાર ગુરૂજી એટલે કે બ્રાહ્મણો પાસેથી જ પ્રાપ્ત કરી શકાય છે. જનોઈ ધારણ કર્યા પછી દરરોજ ગાયત્રી મંત્રની એક માળા કરવી ફરજીયાત છે અથવા તો ત્રિકાળ સંધ્યા કરવી જરૂરી છે.
સાથે સાથે સનાતન ધર્મમાં અને વેદોની અંદર જણાવ્યા પ્રમાણે ક્ષત્રિયોને વેદ જાણવાનો અધિકાર છે જ્યારે બ્રાહ્મણોએ આ વેદ ભણવા માટે થઈને જનોઈ ધારણ કર્યા પછી જ કાશી યાત્રાએ જઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT