મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લીના શામળાજી ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી યોજાઈ.
આ પ્રસંગે મંત્રી એ સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાતની ધરતી પર આદિવાસી સમુદાયે પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનશૈલીને અરવલ્લીની પર્વતમાળામાં દાંતાથી ડાંગ સુધી જીવંત રાખી છે. વૈશ્વિક પરિવર્તનો અને સાંસ્કૃતિક આક્રમણો વચ્ચે પણ આદિવાસી બંધુઓએ પોતાની ગરિમાયુક્ત ઓળખને અકબંધ રાખી છે, જે ગુજરાતની શાન છે.
મંત્રી એ ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શિક્ષણ, રોજગાર, આરોગ્ય, શુદ્ધ પાણી, સિંચાઈ, રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. 2993.35 લાખની ગ્રાન્ટ ફાળવી, 707 કામો જેમ કે રસ્તા, શાળાઓ, ચેકડેમ અને પુલો પૂર્ણ થયા. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 31 ગામોમાં રૂ. 1637.35 લાખના વિકાસ કાર્યો હાથ ધરાયા. વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ ભિલોડા અને મેઘરજમાં 147.13 હેક્ટર જંગલ જમીન 497 લાભાર્થીઓને ફાળવાઈ, જેમાં 277ને આદેશપત્રો મળ્યા.કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા 11,105 લાભાર્થીઓને બિયારણ અને ખાતર આપી ખેતી ઉત્પાદન બમણું કરાયું. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ 127 ગામોમાં 24,444 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને PM-KISAN જેવી યોજનાઓનો લાભ મળ્યો. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 678 લાભાર્થીઓને રૂ. 281.13 લાખની સહાય અને વર્ટિકલ ક્રોપિંગ માટે 382 લાભાર્થીઓને રૂ. 58.38 લાખની સહાય ફાળવાઈ. શિક્ષણમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ અને સૈનિક સ્કૂલો દ્વારા આદિવાસી બાળકોને નિ:શુલ્ક શિક્ષણ, નિવાસ, ગણવેશ, ભોજન અને NEET/JEE કોચિંગ આપવામાં આવે છે.ભિલોડામાં રૂ. 200 લાખના ખર્ચે હાટ બજાર સંકુલ બન્યું, જેમાં 35 શટરવાળી અને 16 ખુલ્લી દુકાનો આદિવાસી સખી મંડળોને ભાડે આપવામાં આવશે. શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ 1,30,237 વિદ્યાર્થીઓને રૂ. 7531.15 લાખ, મફત તબીબી સહાય હેઠળ 1155 લાભાર્થીઓને રૂ. 65.99 લાખ, મકાન સહાય હેઠળ 588 લાભાર્થીઓને રૂ. 512.70 લાખ અને માનવ ગરિમા યોજના હેઠળ 837 લાભાર્થીઓને લાભ મળ્યો. આ પ્રસંગે રૂ. 374.52 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 26.96 લાખના પૂર્ણ કામોનું લોકાર્પણ થયું.આ ભવ્ય ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા,
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અતિ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાથીઓ/કલાકારો/ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું,તેમજ લાભાર્થીને લાભ વિતરણ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી..સી. બરંડા તેમજ અન્ય જિલ્લાના પદાઅધિકારીશ્રીઓ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા. આ ઉજવણી ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરી આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પ્રેરણાદાયી બની.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ