અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.)ગોડાઉન સહાયથી વિકસતી ખેતી – વડાના ખેડૂત જગદીશભાઈ તળાવની સફળતાની વાર્તા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી જગદીશભાઈ તળાવએ સરકારની ગોડાઉન સહાય યોજના હેઠળ મળેલી સહાયથી પોતાની ખેતીમાં આર્થિક રીતે ક્રાંતિ સર્જી છે. 20 વિઘા જમીનમાં ખેતી કરતા જગદીશભાઈ હળદર, મરચું, લીંબુ તથા સરગવાના પાંદડા અને સિંગનું સંકલિત ખેતી મોડેલ અપનાવી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શક્યા છે.
જગદીશભાઈ અગાઉ પોતાની જમીનમાં થતો પાક યોગ્ય રીતે સંગ્રહ કરી શકતા નહોતા. ખાસ કરીને લીંબુ અને સરગવાના પાંદડા જે શીઘ્ર નાશ પામે છે, તે વરસાદ કે પવનના કારણે ખરાબ થઈ જતો. તેથી જ્યારે બજારમાં સારો ભાવ મળતો ત્યારે પણ માલ વેચી શકતા નહોતા, કારણ કે તેને સાચવી રાખવા યોગ્ય વ્યવસ્થા નહોતી. આ સ્થિતિમાં તેમણે રાજ્ય સરકારની કૃષિ વિભાગની સહાયથી ગોડાઉન તથા પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. જેમાંથી બે લાખ રૂપિયા સરકાર તરફથી સબસીડી રૂપે પ્રાપ્ત થયા.
આ ગોડાઉન માત્ર સંગ્રહની સુવિધા પૂરું પાડતું નથી પરંતુ તેમાં પ્રોસેસિંગ માટેની સરળતાઓ પણ ઊભી કરાઈ છે. ગોડાઉનમાં મરચાં, હળદર, સરગવાના પાંદડા અને સિંગનું સૂકવણ, પાવડરીકરણ અને પેકિંગ થાય છે. આ તમામ પ્રક્રિયાઓ ખેડૂત પોતે જ ગામમાં કરે છે, જેના લીધે ઉત્પાદનનો મૂલ્ય વધાર થાય છે.
જગદીશભાઈ દ્વારા તૈયાર થતો સરગવાના પાંદડાનો પાવડર રૂ. 100 પ્રતિ 100 ગ્રામના દરે, સરગવાના સિંગનો પાવડર પણ એ જ ભાવે, જ્યારે હળદરનો પાવડર રૂ. 400 પ્રતિ કિલોના ભાવે તેમજ મરચું રૂ. 300 થી રૂ. 400 પ્રતિ કિલો પ્રમાણે વેચાય છે. બજારમાં જેમ ભાવ મળે તેમ ઉત્પાદન પણ પ્રીમિયમ કિંમતે વેચાઈ રહેલું છે.
ગોડાઉન બન્યા બાદ તેઓ એક સાથે પાકની મોટાપાયે ખરીદી અને સંગ્રહ કરી શકે છે. ખાસ કરીને જ્યારે સરગવાના પાંદડા તથા સિંગનું ઉત્પાદન વધુ થાય ત્યારે તેનું સમચિત પ્રમાણમાં શુકલીકરણ અને પેકિંગ કરી મૂકવાની વ્યવસ્થા ગોડાઉનથી શક્ય બની છે. અગાઉ જો વરસાદ આવતો કે પવન ચાલતો તો પાક નાશ પામતો, હવે એવો કોઈપણ નુકશાનનો ભય રહ્યો નથી.
તેમણે કહ્યું કે ગોડાઉન અને પ્રોસેસિંગ યુનિટ દ્વારા પોતાની ખેતીને માત્ર કાચા માલ સુધી મર્યાદિત નહીં રાખી, પરંતુ મૂલ્યવર્ધન કરી ઉત્પાદનને બ્રાન્ડેડ રૂપ આપ્યું છે. આજે તેઓ તેમની ઊત્પાદિત વસ્તુઓ શહેરના ગ્રાહકો અને ઓર્ડર આધારિત વિક્રેતાઓ સુધી પહોંચાડી રહ્યા છે. આથી માત્ર સ્થાનિક નહિ પણ વિસ્તૃત બજાર સુધી તેની ખેતીના ઉત્પાદનો પહોંચે છે.
આ ઘટના એ સાબિત કરે છે કે જો ખેડૂતને યોગ્ય માર્ગદર્શન, ટેકનિકલ મદદ અને સરકારની સહાય મળે તો તે પોતાની ખેતીને વ્યવસાયમાં પરિવર્તિત કરી શકે છે. જગદીશભાઈના પ્રયાસો તેમજ સરકારની સહાયનો યોગ્ય ઉપયોગ એક આદર્શ માદરીરૂપ છે, જે અન્ય ખેડૂતોએ પણ અનુસરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai