પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ફટાણા ગામમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ગામલોકો અને આસપાસના વિસ્તારના નાગરિકોને મેદસ્વિતા મુક્ત જીવનશૈલી તરફ દોરવા માટે પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોગ, આયુર્વેદ અને યોગ્ય આહારના સંયોજનથી લોકોને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરણા આપવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાહને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યકર્મો દ્વારા ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાના અભિયાનનો આરંભ કર્યો છે. તેને અનુસરીને આયુષ્માન આરોગ્ય મંદિર, ફટાણા દ્વારા પણ મેદસ્વિતા મુક્તિ માટે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ આરોગ્ય મંદિરની મહિલા યોગ ઇન્સ્ટ્રકટર જિગનાબેન ગૌસ્વામી જણાવે છે કે આયુષ્માન આરોગ્ય મંદિર, ફટાણા ખાતે આવતા દર્દીઓને વ્યક્તિગત યોગ અને કસરત સાથે-સાથે, ડાયટ ચાર્ટ અને આયુર્વેદ પ્રમાણે રૂતુચર્યા પર આધારીત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો કે લોકોમાં મેદસ્વિતાને લઈ અનેક ગેરસમજ છે. ઘણા લોકો ભુખ્યા રહીને વજન ઘટાડવાનું પ્રયાસ કરે છે, જે તદ્દન ખોટું છે. યોગ્ય આહાર, નિયમિત સમયસર જમવું અને મોડું ન જમવું, અને બહારના જંકફૂડથી દૂર રહેવું એ મુખ્ય કડી છે.આ પ્રયાસો દ્વારા ફટાણા ગામમાં હવે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતતા વધતી જાય છે, લોકો બેઠાડું જીવન અટકાવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વિતાને એક અભિયાન તરીકે લેવા માટે જીગનાબેન દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya