જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે, સખી વન સ્ટોપ સેન્ટર જામનગર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયાસોથી એક ગમસુદા મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુન:મિલન કરાવવામાં આવ્યું.
મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા એક પીડિત મહિલાને આશ્રય માટે મોકલવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ, સેન્ટરના કર્મચારીઓએ આ મહિલાનું કાઉન્સિલિંગ કર્યું. આ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલા ઉત્તર પ્રદેશની છે અને ઘરેલુ ઝઘડાને કારણે કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને નીકળી ગઈ હતી.
આ માહિતી મળતા જ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત રીતે તેના પરિવારની શોધખોળ શરૂ કરી. ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક સાધીને તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને મહિલાના પરિવારજનો જામનગર આવ્યા. તમામ જરૂરી ખરાઈ કર્યા બાદ, સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે મહિલાને તેના પરિવાર અને ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારીઓને સોંપી. પરિવારજનો અને ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારીઓએ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન જામનગરના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો.
આમ, સખી વન સ્ટોપ સેન્ટર જામનગરના તમામ કર્મચારીઓએ પીડિત મહિલાને આશ્રય, કાઉન્સિલિંગ, પોલીસ અને મેડિકલ જેવી તમામ સહાય પૂરી પાડીને રક્ષાબંધનના પાવન દિવસે તેના પરિવાર સાથે તેનું સુખદ પુન:મિલન કરાવ્યું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે માનવતા અને સંવેદનશીલતાના પ્રયાસોથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આશાનું કિરણ પ્રગટાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT