ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન જુદી જુદી ૨૧ કોલેજના ૭૩ વિદ્યાર્થીઓની હાજરી સાથે સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સમાજ/રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે જવાબદારી અને તેના વિકાસમાં તેમના યોગદાનની જાગૃતિ ફેલાવવાના હેતુસર પાંચ દિવસીય લીડરશીપ તાલીમ શિબિર યોજાઈ, જેમાં વિધાર્થીઓ દ્વારા દરેક નાગરિક માટે ગુણવત્તાયુક્ત જીવન, નવી ટેક્નોલોજી અને ડિજિટલ ભારત, શિક્ષણ અને આરોગ્યમાં સમૃદ્ધિ,મહિલા સશક્તિકરણ, રોડ સેફ્ટી, અન્ન અધિકાર અને યુવા શક્તિનો વિકાસ, ગ્રામ્યથી શહેરી – સર્વાંગી વિકાસ, અને પર્યાવરણના જાળવણી માટેના સોશિયલ પ્રોજેક્ટ વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા.
છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ ક્ષેત્રોની તાલીમનો અનુભવ ધરાવતા અને ૨૦૦૦થી પણ વધુ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરનાર 'ઉદ્દીપક' તરીકે જાણીતા દીપકભાઈ તેરૈયા દ્વારા પાંચ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓમાં રચનાત્મક, સકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય, રોજિંદા જીવન અને સમાંજની સમસ્યા હલ કરવા માટેનું નેતૃત્વ, જરૂરી કુશળતાઓ અને કૌશલ્યો વિકસાવવાની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ ખેતી નિયામક ડો. આર. એ. શેરસીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્ર હિતનો વિચાર કરી રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધવા આહવાન કરાયું હતું. કાર્યક્રમના છેલ્લા દિવસે બધા તાલીમાર્થીઓને દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર અને અંબુજા ફાઉન્ડેશન અને સદવિચાર પરિવાર સંચાલિત કૌશલ્ય અને ઉધમિતા વિકાસ સંસ્થા, ઉવારસદની મુલાકાત કરાવાઇ હતી. જ્યાં ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સંસ્થાની વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલાન સર્વ નેતૃત્વ પ્રોગ્રામના મુખ્ય સંયોજક ડૉ. ધર્મેન્દ્ર પટેલ સાથે પ્રા.સુરજ મુંજાણી અને રાહુલ સુખડીયા દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ તાલીમાર્થીઓ દીપ પ્રજાપતિ, આર્યા મિસ્ત્રી, હેતવી માવાણી, ભાવેશ સેવક અને રીધમ ઠુમ્મર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ