સુરત, 9 ઓગસ્ટ (હિ.સ.): સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વનબંધુઓને વિશ્વબંધુ બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને ચરિતાર્થ કર્યો છે. રાજ્ય સરકારે હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાના ૫૩ તાલુકામાં આદિવાસી સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે.
માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત વિવિધ યોજનાઓમાં રૂ.278 કરોડના 1240 વિકાસકામોનું ખાતમુહુર્ત તથા રૂ.200 કરોડના 1282 કામોનું લોકાર્પણ કરી કુલ રૂ.479 કરોડના 2522 વિકાસકામોની ભેટ આપી હતી. સાથોસાથ રાજ્યના 6,20,846 આદિજાતિ લાભાર્થીઓને રૂ.125 કરોડના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનના અવસરે આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી
મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી ભાવવંદના કરી હતી. તેમણે માંડવીના આદિજાતિ ચૌધરી પરિવાર સાથે બપોરનું ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021 થી સ્વાતંત્ર્યવીર અને આદિવાસીઓના ભગવાન બિરસાની સ્મૃતિમાં દર વર્ષે 15 નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. વર્તમાન વર્ષ 2025માં સમગ્ર દેશમાં તેમની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં, પણ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બની રહી છે.
દેશની સ્વતંત્રતા અને આદિવાસી સમાજના હકો માટે બ્રિટિશ શાસન સામે સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાને ભાવપૂર્વક વંદન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી સમાજના ઉદ્ધારક ભગવાન બિરસા મુંડાના કાર્ય અને બલિદાનને કારણે આજે પણ તેમને આદિવાસી સમુદાય દ્વારા 'ધરતી આબા' એટલે કે ‘પૃથ્વીના પિતા’ અને ‘ભગવાન’ તરીકે પૂજવામાં આવે છે.
દેશના મહાન સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા એવા ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના જમીન અને જંગલના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે 'ઉલગુલાન' (મહાન આંદોલન) નામનો સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો અને 'અબુઆ દિશુમ.. અબુઆ રાજ...' એટલે કે, 'આપણો દેશ, આપણું રાજ'ના બુલંદ નારા સાથે આદિજાતિઓમાં ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. ભગવાન બિરસાની લડત અને માત્ર 25 વર્ષની વયે આપેલું બલિદાન ભારતના આદિવાસી સમુદાયોના મહાન ક્રાંતિકારીઓની ઈતિહાસગાથાનું એક સોનેરી પૃષ્ઠ છે એનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાને સ્મરણાંજલિ અર્પી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ અને સમુચિત ઉત્કર્ષ માટેના પરિણામદાયી પ્રયાસો પાછલા દશકમાં થયા છે તેની ભૂમિકા તેમણે આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેને કોઈ ન પૂજે તેને વડાપ્રધાન મોદી પૂજે છે. 24000 કરોડની પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન યોજના ) અમલી કરી છે. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં દેશના 63 હજાર ગામોમાં જનજાતિ સમુદાયના પાંચ કરોડ નાગરિકોને સામાજિક માળખાકીય સુવિધાઓ માટે આવરી લીધા છે. દેશના 1 કરોડ આદિજાતિ યુવાનોને શિષ્યવૃત્તિ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મજબૂત કર્યો હોવાનું જણાવ્યું હતું.
ભગવાન બિરસા મુંડાના 150મા જન્મ જયંતિ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારની આદિજાતિ વિકાસની પ્રતિબદ્ધતાને દોહરાવતા કહ્યું કે, રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને રૂ.4300 કરોડની માતબર રકમની શિષ્યવૃત્તિ આપી છે. રાજ્યમાં વન અધિકાર અધિનિયમ હેઠળ 68,169 હેક્ટર જમીન માટે વન અધિકારપત્રો આપ્યા છે. રાજ્ય સરકારે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 21 જિલ્લાના 102 તાલુકાના ૪૨૬૫ ગામોને યોજનાકીય લાભો આપ્યા છે.
દેવમોગરા, ઉનાઈ, શબરીધામ જેવા આદિવાસીઓના આસ્થાના તીર્થક્ષેત્રોના વિકાસ માટે અનેકવિધ પગલાં લેવાયા છે એમ જણાવી તેમણે રાજ્યમાં આદિજાતિના ઉત્થાન અને વિકાસમાં યોગદાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે આવનારા તહેવારોમાં વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા તેમજ આહારમાં પોષક તત્વોથી ભરપૂરમિલેટ્સનો ઉપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ભાઈ-બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી, જેના પરિણામે આદિવાસીઓનો સર્વાગી વિકાસ શક્ય બન્યો છે. આદિવાસી સમાજના યુવાનો પાયલોટ, ડોક્ટર, એન્જિનિયર બની શકે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારની સહાયથી આદિવાસી સમાજના યુવાનો પાયલોટ બની આકાશ સર કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આદિજાતિ વિકાસ વિભાગને 30 હજાર કરોડનું માતબર બજેટ આપ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થકી દેશભરમાં કરીને તેમને સાચા અર્થમાં સન્માન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે મંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તાપી રિવરફ્રન્ટ પર પારંપરિક આદિજાતિ નૃત્યો, આદિવાસી વાદ્યોના સંગીત સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રારંભે આદિજાતિ વિકાસ વિભાગના નિયામક આશિષ કુમારે સ્વાગત ઉદબોધન કરી મુખ્યમંત્રી અને મહાનુભાવોને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પ્રાયોજના વહીવટદાર સુનિલે આભારવિધિ કરી માતબર રકમના વિકાસકામોની ભેટ આપી આદિજાતિ ભાઈ-બહેનોના જીવનમાં નવી સુખસુવિધાઓ ઉમેરવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સંદિપ દેસાઈ, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, તા.પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ નિમેષ શાહ, પદાધિકારી-અધિકારીઓ, વિશાળ સંખ્યામાં આદિજાતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે