અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.): ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અમરેલી ખાતે એક વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા પરંપરાગત રીતે રાખડી બાંધી સૌને તહેવારની શુભકામનાઓ પાઠવવામાં આવી અને સર્વાંગી સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ આપવામાં આવ્યા.
આ ઉજવણીમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ખેડૂત સેવા સહકારી સંઘના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા અને APMC અમરેલીના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા રક્ષાબંધનની આધ્યાત્મિક મહત્તા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સમજાવ્યું કે રાખડી માત્ર ભાઈ-બહેનના સ્નેહનું પ્રતિક નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ, રક્ષણ અને પ્રેમનો અખૂટ સંદેશ આપે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોેે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે આવા તહેવારો સામાજિક એકતાને મજબૂત બનાવે છે અને ભાઈ-બહેનના પાવન સંબંધને નવી ઉર્જા આપે છે. ખાસ કરીને બ્રહ્મકુમારી બહેનો દ્વારા અપાયેલો આધ્યાત્મિક સંદેશ તહેવારને માત્ર ઔપચારિકતા સુધી મર્યાદિત ન રાખી, પરંતુ તેને જીવન મૂલ્યો સાથે જોડે છે.
આ અવસરે કાર્યક્રમ સ્થળે સૌજન્ય, ભાઈચારું અને તહેવારી આનંદનું વિશેષ માહોલ સર્જાયો હતો. બહેનો દ્વારા રાખડી સાથે તિલક વિધિ, મીઠાઈ વહેંચણી અને શુભેચ્છા આપીને સૌના હૃદયમાં તહેવારની મીઠી યાદો ઉમેરાઈ.
રક્ષાબંધનના આ પાવન પ્રસંગે અમરેલીના આ કાર્યક્રમએ સાબિત કર્યું કે પરંપરા અનેbઆધ્યાત્મિકતા એક સાથે આવી શકે છે, અને તે સમાજમાં એકતા, પ્રેમ અને સંસ્કારનું બીજ વાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai