વડોદરા, 9 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેર પોલીસની SHE ટીમ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે એક અનોખી અને હૃદયસ્પર્શી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ વિભાગમાંથી વય નિવૃત્તિ પામેલા અધિકારીઓ અને કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત લઈને તેમને આ પર્વની શુભકામનાઓ પાઠવી અને પરંપરાગત રીતે રાખડી બાંધી, ભાઈ-બહેનના અતૂટ સ્નેહનો સંદેશ આપ્યો હતો.
SHE ટીમના સભ્યોએ જણાવ્યા મુજબ, પોલીસ વિભાગમાં વર્ષો સુધી સેવાકીય ફરજ બજાવનાર આ નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓએ સમાજની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે જીવનનો એક મોટો હિસ્સો સમર્પિત કર્યો છે. આવા વરિષ્ઠોના યોગદાનને માન આપવાની સાથે તેમના પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા માટે આ ખાસ મુલાકાત યોજાઈ. રાખડી બાંધવાની વિધિ દરમિયાન વરિષ્ઠોએ પણ SHE ટીમના આ સન્માનથી ખુશી વ્યક્ત કરી અને ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી.
આ અવસરે SHE ટીમના સભ્યોએ નિવૃત્ત અધિકારીઓ સાથે તેમની ફરજ દરમ્યાનના અનુભવો, પડકારો અને સ્મૃતિઓ વિષે વાતચીત કરી. વરિષ્ઠોએ પોતાના જીવનના વિવિધ પ્રસંગો અને સેવા દરમિયાનના અનુભવ શેર કરતા યુવા પેઢીને પ્રેરણા આપતા સંદેશો આપ્યા. તેમણે જણાવ્યું કે પોલીસ ફરજ માત્ર નોકરી નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે, જેને નિભાવવામાં ગૌરવ અનુભવાય છે.
રક્ષાબંધનની આ અનોખી ઉજવણી દ્વારા પોલીસ વિભાગમાં સેવા આપનાર તમામ વરિષ્ઠોના યોગદાનને યાદ કરી, તેમને સમાજ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો. SHE ટીમના આ માનવતાપૂર્ણ પ્રયાસથી પોલીસ વિભાગની સેવા-ભાવના અને પરંપરા પ્રત્યેનો ગૌરવ વધ્યો છે. કાર્યક્રમના અંતે સૌએ પરસ્પર મીઠાઈ વહેંચી અને ભાઈચારા, સુરક્ષા અને સ્નેહના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ આપી.
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya