ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભક્તિ અને સૌંદર્યનો અનોખો સમન્વય ગાંધીનગરના રાયસણ મેટ્રો સ્ટેશન નજીક આવેલા પંચેશ્વર-રામજી મંદિરમાં ઝળહળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલતા શ્રી હરિના હિંડોળા મહોત્સવ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.
આજે વિશેષ પ્રસંગે રૂની દીવેટોને કલાત્મક રીતે સજાવી, શ્રી હરિના હિંડોળાને નયનરમ્ય અને મનોહર શણગાર આપવામાં આવ્યો હતો. ઝૂમતા હિંડોળામાં શ્રી હરિના દર્શન કરતી વખતે ભક્તોના ચહેરા પર ભક્તિભાવની છાંય જોવા મળી રહી છે
આ મંદિરમાં દરરોજ બહેનો દ્વારા જુદી જુદી થીમ પર થતી સજાવટમાં સર્જનાત્મકતા, શ્રદ્ધા અને પ્રેમનો અદ્વિતીય સ્પર્શ જોવા મળે છે. વહેલી સવારથી જ ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડે છે, શ્રી હરિને ઝુલાવવાનો લાભ મેળવી આદ્યાત્મિક આનંદ મેળવી રહ્યા છે
આ હિંડોળા મહોત્સવ હજી એક અઠવાડિયા સુધી ચાલશે, જેમાં દરરોજ નવી થીમ, નવા રંગો અને નવી શોભા સાથે શ્રી હરિના દર્શન ભક્તોના મનને મોહી લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ