પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન-પર્યાવરણ મંત્રી મુળુ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10 ઓગસ્ટ-2025 ના રોજ સવારે 10 કલાકે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ટીંબડીમાં કપૂરડી-ઘુમલી રોડ ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે.
વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા.10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે.
એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે.
વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ 2013 થી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીને વર્ષ 2016 માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વર્ષ 2017 માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ,વર્ષ 2019 માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્ષ 2022 માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.બરડા વિસ્તાર સિંહોના બીજા નિવાસસ્થાન તરીકેની ઓળખ મેળવી રહ્યો છે. આ બરડા અભયારણ્યનો કુલ વિસ્તાર 192.31 ચો.કિ.મી.છે. વર્ષ 1879 બાદ એશિયાઇ સિંહ વર્ષ 2023 માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે આ વિસ્તારમાં આવીને સ્થાયી થયો ત્યારથી આજે આ વિસ્તારમાં સિંહની વસ્તી 6 વયસ્ક અને 11 બાળ મળી કુલ 17 જેટલી નોંધાઈ છે.
આ વિસ્તારમાં જંગલ સફારી શરૂ કરવાની સાથે રોજગારીની નવી તકો ઉભી થઇ છે. માર્ચ 2025 સુધી ૨,271 પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દેવલીયા અને આંબરડી ઉપરાંત બરડા વિસ્તારમાં કુલ 248હેક. જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં આશરે રૂા.60 કરોડના ખર્ચે સફારી બનાવવાનું આયોજન કરાયું છે. વધુમાં બરડા વિસ્તારમાં ઇકો ટુરીઝમ વિકાસ માટે રૂા.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મે-2025 દરમિયાન રાજ્યમાં થયેલ સિંહ ગણતરી અંદાજ પ્રમાણે સિંહોની કુલ વસ્તી વર્ષ 2020 ની સરખામણીએ 32 ટકા જેટલી વધવા પામી છે એટલે કે 674 થી વધીને 891નોંધાઈ છે. પ્રવાસનની રીતે જોઈએ તો વર્ષ 2007-08થી 2024-25 સુધીમાં ગીર અભયારણ્ય, દેવળિયા અને આંબરડીની મુલાકાત દરમિયાન કુલ 9.61 લાખથી વધુ પ્રવાસીઓને એશિયાટીક સિંહને નજીકથી નિહાળવાની તક મળી છે.
વધુમાં હાલ રાજ્યમાં કુલ 11 જિલ્લામાં 35,000 ચો.કિ.મી.જેટલા વિસ્તારમાં સિંહ વસ્તીની અવર – જવર નોંધાઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓગષ્ટ 2020 માં 74માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ-કિલ્લા પરથી સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવીને દેશમાં એશિયાટીક સિંહના ભવિષ્યને સુરક્ષિત કરવા ‘‘પ્રોજેક્ટ લાયન’’ની જાહેરાત કરી હતી. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 10 વર્ષ માટે અંદાજે કુલ રૂા.2,927.71 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનું જંગલ ભવ્ય એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું છે. ગીર વન્યજીવ અભયારણ્યની સ્થાપના 1965 માં કરવામાં આવી હતી, ત્યારબાદ 1975 માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાઈ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર 258.71 ચોરસ કિલોમીટર છે, જ્યારે ગીર વન્યજીવ અભયારણ્ય 1,151.59 ચોરસ કિલોમીટર આવરી લે છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ગીર જંગલનું અનોખું અને વિવિધતાપૂર્ણ ઇકોસિસ્ટમ 631 નોંધાયેલી પ્રજાતિઓ સાથે વનસ્પતિની અતિ સમૃદ્ધ વિવિધતા ધરાવે છે. પ્રાણીસૃષ્ટિની વિવિધતામાં સસ્તન પ્રાણીઓની 41 પ્રજાતિઓ, પક્ષીઓની 338 પ્રજાતિઓ, સરિસૃપની 47 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા વન્ય પ્રાણીના આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરનો ‘‘નેશનલ રેફરલ સેન્ટર’’નો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા નવા પીપળીયા ખાતે 20.24 હેક. જમીન ફાળવણી પણ કરવામાં આવી છે જેનું કામ હાલમાં પ્રગતિમાં છે. સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનીટરીંગ માટે એક હાઇ ટેક મોનીટરીંગ કેન્દ્ર તેમજ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya