અમરેલી 9 ઓગસ્ટ (હિ.સ.)“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક અરજદારશ્રીની મોટરસાયકલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ અમરેલી સીટી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું તથા માનવીય સૂત્રો દ્વારા મળેલી માહિતીને આધારે મોટરસાયકલનો પત્તો લગાવવામાં આવ્યો.
અમરેલી સીટી પોલીસની સતર્કતા, કાર્યદક્ષતા તથા લોકસેવામાંની પ્રતિબદ્ધતાના કારણે ગુમ થયેલ મોટરસાયકલ ઝડપભેર શોધી કાઢી અરજદારશ્રીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરત આપવામાં આવી. અરજદારશ્રીએ પોલીસ વિભાગની ઝડપી કામગીરી તથા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.
“તેરા તુજકો અર્પણ” અભિયાનનો હેતુ નાગરિકોની ગુમ થયેલ મિલકતને શક્ય તેટલી વહેલી તકે માલિકને પરત આપવાનો છે. આ અભિયાન હેઠળ અમરેલી પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધી અનેક વાહનો, મોબાઈલ ફોન અને અન્ય સામાન માલિકોને પરત આપવામાં આવ્યા છે, જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મકતા વધારી છે.
અમરેલી પોલીસ નાગરિકોને વિનંતી કરે છે કે, આવા બનાવોમાં તરત જ પોલીસને જાણ કરે અને તપાસમાં સહકાર આપે, જેથી ગુમ થયેલ સામાન વહેલી તકે પરત અપાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai