અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નાળિયેરી પૂનમના પાવન અવસરે ખારવા સમાજ દ્વારા બંદર કાંઠે પરંપરાગત રીતે દરીયાદેવનું પૂજન કરવામાં આવ્યું. દરિયા કાંઠે માછીમાર સમાજના મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. શાસ્ત્રોકત વિધી મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને સમાજની બહેનોએ ભક્તિભાવપૂર્વક દરીયાદેવની આરાધના કરી.
પૂજન દરમિયાન દરીયાદેવને દૂધથી અભિષેક કરવામાં આવ્યો અને ફૂલો, નાળિયેર તથા વિવિધ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી. માછીમાર સમાજ માટે દરીયાદેવની પૂજા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દરિયામાં માછીમારી કરતા લોકોની સુરક્ષા, સમૃદ્ધ માછીમારી અને દરિયાઈ આફતોથી રક્ષણ માટે દરીયાદેવની કૃપા જરૂરી માનવામાં આવે છે.
આ પ્રસંગે માછીમાર સમાજના વડીલો અને યુવાનો સાથે બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂજન પછી સમાજના સભ્યોએ પરસ્પર શુભેચ્છા આપી અને સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું. દરિયાઈ જીવન સાથે સંકળાયેલો આ પરંપરાગત તહેવાર જાફરાબાદમાં ઉત્સાહભેર ઉજવાયો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai