ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ - તાપી કે તારે' અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓને ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે.
1. પ્રવાસનો હેતુ
આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ અપાવવાનો છે. જેથી તેઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ વિકસે, રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થાય અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા મળે.
2. પસંદગી પ્રકિયા
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તક માંથી ૧૦૦ ગુણની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ ૫૦ પ્રશ્નો સામેલ હતા. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બન્યુ હતુ. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી મળી — જે તેમને સીધા અવકાશ વિજ્ઞાનની દુનિયાના અનુભવ માટે યાદગાર બની રહેશે.
3. આરોગ્ય સંભાળ માટે સ્ટાફ નર્સ પણ પ્રવાસમાં સામેલ
વિદ્યાર્થીઓના આરોગ્યની સંભાળ અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાની જવાબદારી માટે ઇન્દુ નર્સિંગ કોલેજના સ્ટાફ નર્સ હિરલ ગામીત ઇસરો એક્સપોઝર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી અને ઇમરજન્સી સેવા માટે સતત સાથે રહેશે.
4. પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓ
આ અભ્યાસ પ્રવાસમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ સાથે તેમની સુરક્ષા, માર્ગદર્શન અને સંચાલન માટે ૦૭ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.
પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓમાં ઈન્દુ એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલના પ્રિન્સિપાલ સુરેન્દર કુમાર,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ડોલવણના પ્રિન્સિપાલ શ્રી રાજેશ્રી ચિત્તે,આદર્શ નિવાસી શાળા ઉકાઈના પ્રિન્સિપાલ નિતિક્ષા ચૌધરી, એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના શિક્ષક સુનિલ ચૌધરી,એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના સુનિલ કુમાર તથા સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી માટે તાપી જિલ્લા માહિતી કચેરીના માહિતી અધિકારી સંગીતા ચૌધરી પણ જોડાશે.
આ પ્રવાસ તાપી જિલ્લાના આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક અભ્યાસ નહીં પરંતુ જીવનમાં નવી દિશા આપનારી એક મજબૂત સોપાન બની રહેશે. જીવન પરિવર્તન માટે એક ક્ષણ જ કાફી હોય છે ત્યારે આટલી નાનકડી વયે ઈસરોની મુલાકાત બાળકોના કોમળ હૃદયમાં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટાવી દેશે અને કદાચિત કોઈ બાળક ભવિષ્યમાં નિષ્ણાંત વૈજ્ઞાનિક બની તાપીનું ગૌરવ સમગ્ર દેશનું ગૌરવ બનશે તેમાં કોઈ બે મત નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ