ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી ભાનુબેન બાબરીયાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં નવ નિમણૂંક પામેલા સભ્યોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યનું અભિન્ન અંગ ગણાવતાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યના નાગરિક એવા આજના બાળકોને ઉછેર કરીને તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેની શરૂઆત તમારે કરવાની છે. કોઈ કારણસર ખોટી દિશામાં ગયેલા બાળકોને યોગ્ય દિશામાં લાવવા તેમને કાઉન્સેલિંગ કરી યોગ્ય શિક્ષણ આપવાનું સેવાકીય કામ પણ આપણે સૌએ કરવાનું છે. કોઈ બાળક સંજોગોવસાત ભુલ કરે અને તે કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે તેને ન્યાય અપાવવાનું કામ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)નું છે.
બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, તમારે બાળકોને સંરક્ષણ ગૃહમાં પરિવાર જેવું વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળ મજૂરી, બાળ લગ્ન કે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર કરવાનો છે. આપનું દરેક પગલું બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાધાન્ય મળે તે જોવાનું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, તમારી ભૂમિકા માત્ર ન્યાય આપવા પૂરતી નથી, પરંતુ બાળકના પુનર્વસન, શિક્ષણ અને સમાજમાં પુનઃસ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ છે. આપ સૌએ બાળકના વાલી બનીને તેમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને તાલીમ આપવાની છે. તમારા યોગ્ય માર્ગદર્શન થકી તે ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની દેશને ઉપયોગી સાબિત થઈ શકશે.
બાળકોને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને તેમને ઝડપી ન્યાય આપવા માટે સતર્ક રહેવા જણાવી મંત્રીએ કહ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ વચ્ચેનું સંકલન મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. આજના વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવો અને બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ કેળવી તેમના પ્રત્યે સંવેદનશીલતા અને સુરક્ષાના વિષયો પ્રત્યે ચેતના લાવવાનો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ તેના માટે આશાનું કિરણ બને છે. રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત સૌનો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્ય હક મળે, તેનું બાળપણ સુરક્ષિત રહે અને તે એક સન્માનજનક જીવન જીવી શકે તેવો જ હોવો જોઈએ. અંતે તેમણે જણાવ્યું હતું કે ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં કોઈ પણ બાળક તેના અધિકારોથી વંચિત ન રહે.
બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે તમારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના મહત્વના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું છે. તમારે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપી કાર્ય કરવાનું છે. બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કાર્યરત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.
વિકસતી જાતિ પ્રભાગના નિયામક વિક્રમસિંહ જાદવ દ્વારા આ પ્રસંગે સ્વાગત ઉદ્બોધન કરતા સર્વ મહાનુભાવો સહિત તાલીમાર્થીઓનું સ્વાગત કરી, નવી નિમણૂક પામેલા સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સી. ડબ્લ્યુ. સી અને જે. જે. બી.ના સભ્યો માટેના આ કાર્યક્રમમાં તેમણે તેમની કામગીરીની રૂપરેખા આપી હતી.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહીદે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા સમાજ સુરક્ષા પ્રભાગના સંયુક્ત નિયામક હંસાબેન વાળા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નવા નિમણૂંક પામેલા સભ્યો હાજર રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ