પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.): નવમી ઓગસ્ટને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરાયા મુજબ પાટણ શહેરના સૂર્યનગર ભીલવાસ ખાતે શનિવારે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનો જોડાયા હતા.
શોભાયાત્રા બિરસા મુંડા ચોકથી શરૂ થઈ પીપળા ગેટ, ફૂલબજાર, હિંગળા ચાચળ ચોક, બગવાડા દરવાજા, બસ સ્ટેશન, જયવીર નગર રોડ અને પારેવા સર્કલ માર્ગેથી પસાર થઈને પુનઃ સૂર્યનગર ભીલવાસ ખાતે સમાપ્ત થઈ. આ યાત્રામાં પરંપરાગત વેશભૂષા, આદિવાસી નૃત્ય અને તીર-કામઠા સાથે 'વૃક્ષો બચાવો', 'પ્રકૃતિ બચાવો', 'પાણી બચાવો' અને 'સ્વચ્છતા અભિયાન'ના સંદેશ આપતા ટેબલો સામેલ હતા.
'એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન'ના સૂત્ર સાથે પાટણના રાજમાર્ગ પરથી નીકળેલી આ ગૌરવ યાત્રાએ શહેરમાં ઉત્સાહ છલકાવ્યો. આદિવાસી ભીલ સમાજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર