પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ઠોયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ફાર્મે ખેડૂતો અને વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને જંતુનાશક દવાના છંટકાવથી ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓની આડઅસર અને ગાય આધારિત ખેતીથી સ્વાસ્થ્યને થતા લાભો અંગે માહિતગાર કરાયા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી છે. ગુજરાતમાં તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય છે, રાજ્યપાલની ગાય આધારિત ખેતીની આ પહેલને પોરબંદર જિલ્લાના ખેડૂતોએ પણ આવકારી છે, ત્યારે ઠોયાણા ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરનાર રાજસીભાઈ જાંજાભાઇ ઓડેદરાના ફાર્મે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું, અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી પહેલ કરવામાં આવી હતી. ઉપરાંત ઠોયાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતી અંગે યોજાયેલા આ શિબિરમાં જોડાયા હતા. પ્રાકૃતિક બોર્ડના કર્મચારી ચિંતનભાઈ એ ખેડૂતો અને વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતીથી થતા લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અંગેની યોજાયેલ આ શિબિરમાં જંતુનાશક અને કેમિકલ યુક્ત દવાના છંટકાવથી ઉત્પાદિત થયેલ ખાદ્ય વસ્તુઓની આડ અસરો અંગે સમજ આપવામાં આવી હતી. તેમની સામે ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી અને કઠોળ લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાય હોવા અંગે પણ વિસ્તૃતમાં માહિતી અપાઈ હતી. આ તકે ઠોયાણા ગામની પ્રાથમિક શાળાનો સ્ટાફગણ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya