ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)
સાગરખેડૂઓને વ્હેલશાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે બિરદાવવામાં આવ્યા
વ્હેલશાર્કને ‘વ્હાલી દીકરી’ સમજીને સહિયારા પ્રયાસથી બચાવવી એ
આપણી નૈતિક ફરજ -મુખ્ય વન સંરક્ષણ અધિકારી મનીશ્વર રાજા
વિશ્વની સૌથી વિશાળ અને દુર્લભ પ્રજાતિની માછલી અને રાજ્યના દરિયાઈ પ્રાણીના ગૌરવ સમાન વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યના વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસો તેમજ ટાટા કેમિકલ્સના સહયોગ તેમજ સાગરખેડૂ સમાજના સાથ-સહકારના માધ્યમથી પ્રયાસ થઈ રહ્યાં છે.
જે ઉપક્રમે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુસર રામેશ્વર મંદિર ભીડિયા ખાતે ૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય વન સંરક્ષણ અધિકારી મનીશ્વર રાજાએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા પણ વ્હેલશાર્કને બચાવવામાં સહભાગીદારી નોંધાઈ છે અને સરકાર દ્વારા પણ પ્રાથમિકતા આપી વ્હેલશાર્ક બચાવ અભિયાનની જાગૃતિ વેગવંતી બનાવવામાં આવી છે. જેના થકી આ પ્રોજેક્ટની ફળશ્રુતિ મળી રહી છે.
વર્ષ ૨૦૦૪થી લઈને અત્યાર સુધી આ માછલીને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે. સાગરખેડૂઓ દ્વારા વ્હેલશાર્કને બચાવવામાં આવે છે. જેનું પૂરતું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. સૌના સહિયારા પ્રયાસથી વ્હેલશાર્કને વ્હાલી દીકરી સમજી અને આ પ્રજાતિને બચાવવી એ આપણી નૈતિક ફરજ છે આમ જણાવી તેમણે ભવિષ્યમાં વ્હેલશાર્ક બચાવવા અંગે શિબિરોના આયોજન સહિતની માહિતી આપી હતી.
આગેવાન જયંતિલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ફોરેસ્ટ વિભાગ સાથે મળીને સમાજ નાગરિકો દ્વારા જાળમાં ફસાયેલી વ્હેલશાર્કને બચાવવામાં ફાળો આપવામાં આવ્યો છે. તમામ વિભાગો દ્વારા માછીમારોને પૂરતો સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું છે. આમ કહી તેમણે ફોરેસ્ટ વિભાગના પ્રયત્નોને બીરદાવ્યાં હતાં.
આજે વેરાવળ ભીડીયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિન પ્રસંગે બીડીયા કોળી સમાજના પટેલ જયંતીભાઈ વરજંગભાઇ સોલંકી એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ એ આ વર્ષે પ્રથમવાર જ કોળી સમાજને આ ઉત્સાહમાં સામેલ કરાયો છે કોળી સમાજ સમગ્ર દરિયાઈ પટ્ટીમાં માછી મારી કરે છે અને વ્હેલ શાર્ક બચાવવામાં તેમનું યોગદાન પણ આપતો જ રહે છે જેથી આ વર્ષે અમારી જ્ઞાતિને સામેલ કરી તેથી ખૂબ સારું લાગ્યું આમાં પણ સૌ માછીમારોને અપીલ કરીએ છીએ કે વ્હેલ શાર્ક બચાવો જે આપણો ગૌરવ છે જેમાં અમારો સાથ પણ છે.
વનવિભાગ દ્વારા આ જીવને રક્ષણ પણ આપવામાં આવેલું છે. જેથી દરિયામાં રહેલી વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા હેતુસર વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી વ્હેલ શાર્ક બચાવવાનો સંદેશો આપ્યો હતો.
વાઈલ્ડલાઈફ ટ્ર્સ્ટ ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ સંદિપ કુમાર તિવારીએ વિદ્યાર્થીઓ દ્વારા વ્હેલ-શાર્ક બચાવવા અંગે ભજવાયેલા નાટકને બીરદાવ્યું હતું અને આવતા વર્ષોમાં તમામ વિભાગના સહયોગથી વ્હેલ શાર્ક અભિયાનને વધુમાં વધુ માછીમારો અને નાગરિકો સુધી પહોંચાડવા તમામ યથાશક્તિ પોતાનું યોગદાન આપે એવી અપીલ કરી હતી.
તજજ્ઞો દ્વારા વ્હેલ શાર્કને બચાવતાં નુકસાનીનું વળતર, ગ્લોબલ વોર્મિંગ, દરિયાઈ પ્રદૂષણ, સરકારની વિવિધ પોલિસીઓ અને નિયમો, વ્હેલ શાર્કની જૈવિક ગતિવિધિઓ, વ્હેલ શાર્કના ખોરાકનું માધ્યમ સહિત વૈશ્વિક સ્તરે આવતા ફેરફારો વિશે તબક્કાવાર માહિતી આપી વ્હેલ શાર્ક વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી નિમિત્તે વ્હેલશાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ બંદરના સાગર ખેડૂતોને બિરદાવવામાં આવ્યાં હતાં તેમજ વ્હેલ શાર્ક બચાવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયાં હતાં.
વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના પ્રોજેક્ટ મેનેજર પ્રવિણ કુમારે મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ આભારવિધિ વ્હેલ શાર્ક કન્ઝર્વેશન પ્રોજેક્ટ મેનેજર ફારૂખભાઈ બ્લોચે કરી હતી.
આ તકે, નાયબ વન સંરક્ષક(જૂનાગઢ) અક્ષય જોશી, સહાયક વન સંરક્ષણ અધિકારી સુનિલ પ્રજાપતિ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.ડી.પંપાણિયા, ટાટા કેમિકલ સી.એસ.આર. હેડ મૂકેશ સોલંકી સહિત કોળી-ખારવા સમાજના આગેવાનો અને વેરાવળ, ભીડિયા, હિરાકોટ, સૂત્રાપાડા, ધામળેજ, ચોરવાડ અને માંગરોળ બંદરના સાગરખેડૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ