જૂનાગઢ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગની એપ્રેન્ટિસ એક્ટ- ૧૯૬૧ ની મંજુરી અન્વયે જૂનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યાંત્રાલય, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર ડેપો તેમજ વિભાગીય કચેરીમાં એપ્રેન્ટિસ એક્ટ- ૧૯૬૧ મુજબ ઓક્ટોબર- ૨૦૨૫ ના ભરતી સત્ર માટે મીકેનીક ડીઝલ, વેલ્ડર, એમ.એમ.વી. ઈલેક્ટ્રીશ્યન, વાયરમેન, ફીટર તથા ટર્નર,કોપા ટ્રેડની જગ્યાઓ માટે એપ્રેન્ટિસોની ભરતી તથા પ્રતીક્ષાયાદી તૈયાર કરવાની હોઈ છે.
જેમાં મીકેનીક ડીઝલ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ આઈ.ટી.આઈ. માં મીકેનીક ડીઝલ ટ્રેડ પાસ, ફીટરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ફીટર ટ્રેડ પાસ, વેલ્ડરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં વેલ્ડર ટ્રેડ પાસ, મીકેનીક મોટર વ્હીલરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં મીકેનીક મોટર વ્હીલર ટ્રેડ પાસ, ટર્નરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ટર્નર ટ્રેડ પાસ, કોપા ધોરણ ૧૨ પાસ અને આઈ.ટી.આઈ. માં કોપા ટ્રેડ NCVT સર્ટીફીકેટ પાસ, ઈલેક્ટ્રીશિયનમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ઈલેક્ટ્રીશિયન ટ્રેડ પાસ, વાયરમેનમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં વાયરમેન ટ્રેડ પાસ હોવા જોઈએ.
એપ્રેન્ટિસશીપ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ અત્રે જણાવ્યા અનુસાર દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર Candidate Registration કરી ત્યારબાદ કમ્પ્લીટ પ્રોફાઈલ અપડેટ કરી જેમાં આધાર વેરીફીકેશન કર્યા બાદ એપ્રેન્ટિસ પ્રોફાઈલની નકલ તેમજ રજીસ્ટ્રેશનના યુઝરનેમ અને પાસવર્ડ તથા રજીસ્ટ્રેશન નંબરની પ્રિન્ટ કાઢી તેની નકલ સાથે એપ્રેન્ટીસ ભરતી માટે નિયત અરજી પત્રકો તા. ૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમિયાન વિભાગીય નિયામકશ્રીની કચેરી, મોતીબાગ પાસે એસ.ટી. જૂનાગઢ ખાતેથી રૂબરૂમાં મળી શકશે.
અરજીપત્રક સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ આ જ ક્રમમાં ગોઠવીને આપવાના રહેશે. જેમાં પાસપોર્ટ સાઈઝના ફોટોઝ- નંગ ૦૨ તેની પાછળ નામ લખવું, શાળા છોડયાના પ્રમાણપત્રની ૦૧ નકલ, આઈ.ટી.આઈ. પાસની તમામ માર્કશીટ, સર્ટિફિકેટની ૦૧ નકલ, ધોરણ ૧૦/૧૨ પાસની ૦૧ નકલ, જાતિના દાખલાની ૦૧ નકલ, આધાર કાર્ડની ૦૧ નકલ, ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સની ૦૧ નકલ સાથે જોડવાની રહેશે. આ તમામ નકલો સ્વ- પ્રમાણિત કરીને જ જોડવાની રહેશે. તેમજ અરજી પત્રક ઉપર ઇમેઇલ આઈ.ડી. અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. ઉપર જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસ ભરતી માટે નિયત અરજી તા. ૧૨/૦૯/૨૦૨૫ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં રૂબરૂ જમા કરવાની રહેશે. જે ઉમેદવારોએ વેબસાઈટ પર Candidate Registration અને આધાર વેરિફિકેશન કરેલ નહીં હોય તેઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
આ તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ સુધીની રાખવામાં આવી છે. જેમાં ૦૧ વર્ષની તાલીમ મુદ્દત રહેશે. તમામ જગ્યાઓ માટે સરકારશ્રીના નિયમ અનુસાર જ માસિક સ્ટાઇપેન્ડની ચુકવણી કરવામાં આવશે. અગાઉ અન્ય સંસ્થામાં જે-તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલી હશે તો તેવા ઉમેદવારોએ અત્રે અરજી પત્રક ભરવાના રહેશે નહીં. એપ્રેન્ટીસ તરીકે અગાઉ તાલીમ લીધી હોય તો તેવા ઉમેદવારોને ભવિષ્યમાં એસ.ટી. નિગમમાં સમાવવા અંગેની કોઈ જ ખાતરી આપવામાં આવતી નથી. જેવો ઉમેદવારો છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસનાર હોય તેઓ પણ આ ભરતી માટે અરજી કરી શકશે પાછળથી છેલ્લા વર્ષની પરીક્ષામાં ઉત્તેર્ણ થઇ જ તેઓની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે. અત્રે જણાવેલ તમામ બાબતોની સર્વે ઉમેદવારોને ખાસ નોંધ લેવા માટે વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. નિગમ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ