અમરેલી, 1 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામમાં ગઈ કાલે રાત્રે જંગલનો સાવજ ઘુસી આવતા હડકંપ મચી ગયો હતો. અચાનક ગામના ખેતર વિસ્તારમાં સિંહ દેખાતા ગાયો ઊભી પૂંછડિયે નાઠી પડી હતી અને પશુઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સિંહના આકસ્મિક પ્રવેશથી ગામજનોમાં પણ ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનકર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી સિંહને સુરક્ષિત રીતે જંગલ તરફ ખદેડવા માટે કાર્યવાહી શરૂ કરી. સદભાગ્યે કોઈ જાનહાનિ કે મોટી નુકસાની સર્જાઈ નથી.
ગિરસોમનાથ અને અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં સિંહોના ખસેડાવાના બનાવો વારંવાર બનતા રહે છે. હિપાવડલી ગામમાં બનેલી આ ઘટનાએ ફરીવાર ગ્રામજનોને જાગૃત રહેવાની ચેતવણી આપી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, રાત્રિના સમયે પશુઓને સુરક્ષિત સ્થળે બાંધવા અને સાવચેતી રાખવી જરૂરી છે.
વનવિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે સિંહ દેખાય ત્યારે ભયભીત થયા વગર તરત જ તંત્રને જાણ કરે અને જંગલી પ્રાણીઓ સાથે અથડામણથી દૂર રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai