મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 2 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં 2 થી 5 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં સર્જાતી નવી સિસ્ટમને કારણે આ વરસાદી માહોલ વધુ તીવ્ર બનશે. નિષ્ણાંત મુજબ આ સિસ્ટમ રાજ્યના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસાવશે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી સિસ્ટમ વિકસશે, જે ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની શક્તિ ધરાવે છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ રીતે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી અંત સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR