વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક પ્રસંગોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત કરવાનો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતથી શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી ક્રાંતિને રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવી છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરો-કીટનાશકો પરની નિર્ભરતા ઓછા કરીને પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કર્યું છે. આ પ્રેરણાથી ગુજરાતના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને સંજય પટેલ જેવા ખેડૂત તેમના કાર્ય દ્વારા આ અભિયાનને જીવંત બનાવી રહ્યા છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે 50 વર્ષીય સંજયભાઈ વલ્લભભાઈ પટેલે એમની 22 વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી જેવી કે, ખાસ કરીને IoT (Internet of Things) સાથે જોડીને એક અનોખું મોડેલ ઉભું કર્યું છે. સંજયભાઈનું જીવન ક્યારેક એક શિપિંગ કંપનીના વ્યસ્ત કાર્યાલયમાં પસાર થતું હતું. ત્યાંના કાર્યક્ષેત્રે તેમને જીવનની દોડધામમાં આરોગ્ય ગુમાવવું પડ્યું – તણાવ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓથી તેઓ ઘેરાયા. પરંતુ પ્રકૃતિએ તેમને ફરીથી જીવન આપ્યું. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી તેમને માત્ર આરોગ્યની પુનઃપ્રાપ્તિ જ ન મળી, પણ પ્રકૃતિની નજીક રહીને માનસિક શાંતિ પણ મળી.
વર્ષ 2019થી શરૂ કરેલી આ ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. 2020માં તેઓ સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટના સભ્ય બન્યા અને મિશ્ર મોડલ ખેતી અપનાવી. તેમના ખેતરમાં આજે શાકભાજી સાથે ફળો અને હર્બલ છોડની અનેક જાતો કરી રહી છે. શાકભાજી વેચીને તેઓ દર વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની આવક મેળવે છે, જ્યારે આગામી વર્ષોમાં ફળો અને ઔષધીય છોડમાંથી વધુ સારી આવકની અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya