અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૈત્રા ગામમાં છેતરપીંડીના કેસે ગ્રામજનોમાં હલચલ મચાવી દીધી હતી. રાજસ્થાનની એક ગેંગ ખોટી સ્કીમનો ભ્રમ પેદા કરી લોકો પાસેથી રૂપિયા પડાવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. ગ્રામજનોને લોભામણી ઓફરો બતાવી તેઓની સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી.
માહિતી મળતાજ રાજુલા પોલીસ તત્પર થઈ કાર્યવાહી હાથ ધરી. ચોક્કસ માહિતીના આધારે દબિશ કરી ગેંગના સભ્યોને રંગેહાથ ઝડપવામાં આવ્યા. પોલીસે તેમની પાસેથી છેતરપીંડીમાં ઉપયોગ થતી કાગળદસ્તાવેજો અને અન્ય પુરાવા પણ કબજે કર્યા.
આ ગેંગ લાંબા સમયથી વિવિધ ગામોમાં આવી રીતની ખોટી સ્કીમ ચલાવી રહી હતી અને લોકો સાથે ઠગાઈ કરતી હતી. રાજુલા પોલીસે આ ગેંગની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે જેથી અન્ય પીડિત લોકો બહાર આવી શકે.
રાજુલા પોલીસની આ કાર્યવાહીથી ગ્રામજનોમાં રાહત અનુભવાઈ છે અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. આ સાથે જ પોલીસ તંત્રે ચેતવણી આપી છે કે કોઈ અજાણી સ્કીમ અથવા લોભામણી ઓફર પર વિશ્વાસ ન કરીને તાત્કાલિક પોલીસને જાણ કરવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai