અમરેલી , 10 સપ્ટેમ્બર (હિ.સ.)
આજે દિલ્હીમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા ભારતના નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનજી સાથે સૌજન્ય મુલાકાતે મળ્યા હતા. આ અવસરે સાંસદે તેમને પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને શુભકામનાઓ વ્યક્ત કરી.
સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે, રાધાકૃષ્ણનજીનું વ્યક્તિત્વ સાદગી, નિષ્ઠા અને લોકહિત માટેના સમર્પણનું પ્રતિબિંબ છે. તેઓ લાંબા સમયથી જાહેરજીવનમાં રહીને સમાજના નબળા વર્ગો માટે કાર્યરત રહ્યા છે. તેમના વિશાળ અનુભવ અને લોકતંત્ર પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતા કારણે દેશને સશક્ત નેતૃત્વ મળશે.
મુલાકાત દરમિયાન સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાધાકૃષ્ણનજીની કાર્યશૈલી ભારતના લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય પરંપરાઓને નવું દિશાનિર્દેશ આપશે. તેમણે ઉમેર્યું કે, રાધાકૃષ્ણનજીનું વ્યક્તિત્વ અને જીવનપ્રેરણા ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રસેવામાં જોડાવા પ્રેરિત કરશે.
આ મુલાકાતને સાંસદે પોતાના માટે સુવર્ણ તક ગણાવી હતી. ભારતના ઉચ્ચતમ પદ પર સેવા આપતા આવા નેતાઓ સાથેનો સંવાદ માત્ર પ્રેરણાદાયી જ નહીં પરંતુ લોકશાહી માટે શક્તિદાયી સાબિત થાય છે.
આજે થયેલી આ મુલાકાત લોકશાહી પરંપરાઓને વધુ ગૌરવપૂર્ણ બનાવતી ક્ષણ રહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai