અમરેલી, 10 સપ્ટેમ્બર (હિ.સ.)
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરજદારની ગુમ થયેલી મોટરસાયકલને પોલીસએ હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સોર્સના આધારે શોધી કઢી માલિકને પરત અપાવી હતી.
અરજદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ સ્ટાફે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસએ માનવીય સૂત્રો સાથે સાથે આધુનિક ટેક્નિકલ સાધનોનો પણ ઉપયોગ કર્યો હતો. સતત પ્રયાસો બાદ ગુમ થયેલી મોટરસાયકલનો પત્તો લગાવવામાં સફળતા મળી.
પોલીસે મોટરસાયકલ અરજદારને સોંપતા તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. અરજદારે મરીન પીપાવાવ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, પોલીસે ત્વરિત કામગીરી કરી લોકોના વિશ્વાસને મજબૂત બનાવ્યો છે.
આ ઘટના દર્શાવે છે કે મરીન પીપાવાવ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં પરંતુ નાગરિકોની સમસ્યાઓ ઉકેલવામાં પણ આગેવાન બની રહી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી આવી કામગીરી પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસનો પુલ બાંધવામાં સહાયક બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai