વડોદરા 10 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેર, જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ફરી એકવાર શહેરની ગરિમા લાજવંતી બને તેવી ઘટના બની છે. વારસીયા વિસ્તારમાં એક સગીરાની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, સગીરા કમ્પ્યુટર ક્લાસે જતી વખતે એક રિક્ષાચાલકે તેની સાથે છેડતી કરતા તકલીફ ઊભી કરી હતી. શહેરની મધ્યમાં બનેલી આ ઘટના વડોદરાના સામાજિક વાતાવરણ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.
સગીરાએ આ બનાવ અંગે પરિવારજનોને જાણ કર્યા બાદ તાત્કાલિક વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રિક્ષાચાલકને કાબૂમાં લઈને તેના વિરુદ્ધ કાયદેસરની FIR નોંધવામાં આવી છે. પોલીસે આ સમગ્ર કેસને ગંભીરતાથી લઇને તરત જ તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી બરાબર કાયદેસરની સરભરા કરી છે.
શહેરમાં આવી ઘટનાઓ ફરીથી બનતા નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વાલીઓમાં દીકરીઓની સુરક્ષાને લઇને અશાંતિનું વાતાવરણ છે. શૈક્ષણિક અને પ્રગતિશીલ શહેર તરીકે ઓળખાતા વડોદરામાં જાહેરમાં છોકરીઓને અસુરક્ષિત અનુભવ થવો એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
પોલીસ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવતા પીડિતા અને તેના પરિવારજનોને ન્યાયની આશા છે. પોલીસે આરોપીને કાનૂની રીતે કડક સજા અપાવવા માટે જરૂરી પગલાં શરૂ કર્યા છે. સાથે જ નાગરિકોમાંથી પણ અપીલ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ સામે તરત જ અવાજ ઉઠાવવો જોઈએ અને દોષિતોને કાયદાની જાળમાં લાવવા સહકાર આપવો જોઈએ.
આ બનાવ વડોદરા શહેર માટે ચેતવણીરૂપ છે કે સ્ત્રી અને બાળ સુરક્ષા અંગે વધુ કડક અને અસરકારક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, જેથી આવી શરમજનક ઘટનાઓને અટકાવી શકાય અને સંસ્કારી નગરીની સાચી ઓળખ જળવાઈ રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya