પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના નવાગંજ સામે હાઇવે પર આવેલી જય જલારામ રેસ્ટોરન્ટમાંથી ચોરીની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટના કારીગરે કાઉન્ટરમાંથી રોકડ રકમ અને માલિકનું બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો છે. રેસ્ટોરન્ટના માલિક વિષ્ણુજી નાગરજી ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ મૂળ સિદ્ધપુર તાલુકાના નેદ્રોડા ગામના છે અને હાલમાં ચાણસ્મા હાઇવે પર આશીર્વાદ ડુપ્લેક્સમાં રહે છે.
ઘટના 13 જુલાઈના રોજ બની હતી, જ્યારે કાઉન્ટરમાંથી રૂ. 35,500 રોકડ રકમ ગાયબ હતી. માલિકે તત્કાલ સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં, જેમાં દેખાઈ આવ્યું કે માત્ર 15 દિવસ પહેલાં નોકરી પર રાખવામાં આવેલ કારીગર સવારે 6:30થી 6:45 વચ્ચે ચોરી કરી રહ્યો હતો. તેણે માલિકનું રૂ. 35,000 કિંમતનું બાઈક પણ લઈને જતો રહ્યો હતો.
આ કારીગર બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામનો હોવાનું માલુમ પડ્યું છે. માલિકે તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતો હતો. પોલીસે આ મામલે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ