પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે એક ખૂબ જ દુખદ ઘટના બની છે. સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી છોડાયેલા પાણીના તેજ પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી. સજ્જનબા અને કાજલબા નામની યુવતીઓ ભેંસ ચરાવતા સમયે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તેમની દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લઇને તાત્કાલિક અધિકારીઓ અને પદાધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પીડિત પરિવારોને મળવા મુડાણા ગામે આવ્યા હતા અને સાંત્વના આપી સહાયનો ચેક પણ અર્પણ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સંગઠનના આગેવાન શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ગામના સરપંચ તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર, સ્થાનિક તંત્ર અને સમાજ દ્વારા શોકગ્રસ્ત પરિવારોને દરેક રીતે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ