જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના એક વેપારીએ વર્ષ ૨૦૧૪માં વાણિજ્ય વેરા કચેરીના ઓફિસર રૂ.૨૦ હજારની લાંચ માંગતા હોવાની એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. છટકામાં આ અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી અધિકારીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરમાં દુકાન ચલાવતા એક વેપારીએ વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૧૪ દરમિયાન સેલ્સટેક્સના ૫૦ રિટર્ન ભરવાના બાકી હતા. તેઓએ આ રિટર્ન માટે વાણિજ્ય વેરા કચેરીનો સંપર્ક કરતા જે તે વખતના જામનગરની આ કચેરીના ટેક્સ ઓફિસર શશીકાંત પ્રભાશંકર પંડયાએ રૂ.પ લાખ દંડ પેટે ભરવાના આવે છે તેમ કહ્યા પછી રૂ.૨૦ હજારની લાંચની માગણી કરી હતી. લાંચ ન આપવા ઈચ્છતા વેપારીએ લાંચ-રૂ.શ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવતા ગઈ તા.ર૮-ર-૧૪ના દિને વાણિજ્ય વેરા કચેરીમાં જ છટકુ ગોઠવાયું હતું. જેમાં હેતુલક્ષી વાતચીત પછી શશીકાંત પ્રભાશંકર પંડયા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે પાવડરવાળી નોટો કબજે કરી ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની લાંચ-રૂ.શ્વત વિરોધી કેસ અંગેની ખાસ અદાલતમાં ચાલી જતા અદાલતે રજૂ થયેલા ૧૧ સાહેદોની જુબાની અને ૪૯ દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા પછી આરોપી સેલ્સટેક્સ ઓફિસર શશીકાંત પંડયાને તક્સીરવાન ઠરાવી છ મહિનાની સખત કેદ અને રૂ.પ હજારનો દંડ, જ્યારે કલમ ૧૩ (૧) (ઘ) ૧ર (ર) હેઠળ એક વર્ષની સખત કેદ અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt