વરાછામાં હીરાના વેપારી સાથે 12 લાખની છેતરપિંડી
સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- વરાછા, માતાવાડી વિસ્તારમાં આવેલ સોહલીયા બ્રધર્સ નામની હીરાની પેઢીમાંથી બે ઠગબાજ વેપારીઓએ હીરાનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 12 લાખ નહી ચુકવી ચુનો ચોપડ્યો હતો. જેથી ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે
fraud


સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- વરાછા, માતાવાડી વિસ્તારમાં આવેલ સોહલીયા બ્રધર્સ નામની હીરાની પેઢીમાંથી બે ઠગબાજ વેપારીઓએ હીરાનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 12 લાખ નહી ચુકવી ચુનો ચોપડ્યો હતો. જેથી ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ઉત્રાણ, મોટા વરાછા, વી.આઈ.પી.સર્કલ પાસે, અર્થ રેસીડેન્સીમાં રહેતા ૬૪ વર્ષીય વલ્લભભાઈ મધુભાઈ સોહલીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા, માતાવાડી શિવાજંલિ કોમ્પ્લેક્ષમાં સોહલીયા બ્રધર્સ ના નામે ઓફિસ રાખી ધંધો કરે છે. મૂળ અમરેલીના ચકરગઢ દેવળીયા ગામના વતની વલ્લભભાઈને તેમની ઓફિસમાં પ્રકાશ મધુભાઈ વાડદોરિયા (રહે, પુનીતધામ સોસાયટી, લજામણી ચોક પાસે, મોટા વરાછા અને નિકુંજ હીરપરા (રહે, ગાયત્રીનગર, કાપોદ્રા) મળવા માટે આવ્યા હતા. આ બંને જણાએ તેમને સમયસર પેમેન્ટ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૨૧,૨૧,૯૪૦ના મત્તાનો રીયલ હીરાનો ૫૩.૧૧ કેરેટનો માલ ખરીદ્યો હતો. જેમાંથી ૬,૫૦,૦૦૦ ચુકવ્યા હતા. અને ૮ કેરેટના હીરા જેની કિંમત ૨,૬૮,૮૫૦ જમા કરાવ્યા હતા. જયારે બાકી લેવાના નિકળતા ૧૨,૦૩,૦૪૦ની વલ્લભભાઈ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે ખોટા ખોટા વાયદાઓ આપી સમય સાર કરી નિકુંજ હીરપરા મોબાઈલ બંધ કરી નાસી ગયો હતો પ્રકાશ વાડોદરિયાઍ પેમેન્ટ આપવા માટે હાથ અધ્ધર કરી દીધા હતા.

વલ્લભભાઈને ખ્યાલ આવી ગયો કે આ બંને જણાઍ તેમની સાથે ફ્રોડ કર્યો છે. વરાછા પોલીસે તેમની ફરિયાદને આધારે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande