પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામમાં વાનરે આતંક મચાવતાં ગામજનોમાં ભય ફેલાયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે 70 વર્ષીય ચમનજી ઠાકોર પર વાનરે હુમલો કર્યો હતો. વૃદ્ધના પગમાં બચકું ભરી લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્મા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમના પગમાં ટાંકા લગાવી સારવાર કરી હતી.
એજ વાનરે રોડ પરથી પસાર થતાં બે બાઇક સવાર પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. બાઇક સવાર નીચે પટકાતા તેમને પણ ઈજા પહોંચી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, વાનરને પકડવા માટે ખાસ ટીમ મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ચાણસ્માના વડાવલી ગામમાં પણ વાનરે પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. હવે ધાણોધરડા ગામમાં વાનરના આ આતંકથી લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ