“આઈ આરાધના” ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય તેને અનુસરે તે પ્રમાણે માહોલ ઊભો કરાશે
આ વખતે “Quit Drugs Save Life” મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે
ભરૂચ 12 સપ્ટેમ્બર (હિ.સ.)
ભરૂચ ખાતે ગાર્ડનસીટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. આ વર્ષે “આઈ આરાધના” ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે. ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય તેમજ વ્યસનથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઉપર ભાર મૂકવામાં આવશે.
આ વખતે “Quit Drugs Save Life” મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે. યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ કુટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે.
ગરબા કાર્યક્રમ દરમિયાન 60થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મહર્ષી પંડ્યા જે સારેગામાપાના ફાઈનલિસ્ટ છે. તેના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જમાવશે. સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે. આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે.આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઇન સિસ્ટમ રાખવામાં આવી છે. ક્યુ.આર. કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે. નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઇફાઇ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે.
આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે. ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી 11 દિવસ સુધી ઉજવાશે, જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે.
આ વખતે ગરબાનું આયોજન ગાર્ડનસીટીમાં ભવ્ય અને દિવ્ય રીતે જે.ડી.ઠુંમ્મર,આયોજક જીતેન્દ્ર પટોડિયા અને દ્વારકેશ જોશી KM ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તેમજ મહર્ષિ પંડ્યા સારેગામાપા ફાઈનલ લિસ્ટ ધૂમ મચાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ