મહેસાણા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચમાં સહાય મળે તે માટે ખાસ યોજના અમલમાં મૂકી છે. આ યોજના ખેડૂતને કુદરતી રીતે ખેતી કરવા પ્રોત્સાહિત કરશે તથા રાસાયણિક ખાતર-કીટનાશક પરની નિર્ભરતા ઘટાડશે.
આ યોજનામાં તેવા ખેડૂતોએ અરજી કરી શકશે, જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અથવા શરૂ કરવા ઈચ્છે છે, દેશી ગાય ધરાવે છે અને ગાયને આઈડેન્ટિફિકેશન ટેગ લગાવેલ છે. સાથે સાથે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી આવશ્યક છે. હાંલ કે, અગાઉના વર્ષોમાં અરજી કરીને ચાલુ વર્ષે લાભ મેળવનાર ખેડૂતોને ફરીથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.
નવી અરજીઓ માટે i-ખેડૂત 2.0 પોર્ટલ 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. આથી ખેડૂતોને નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આત્માના સ્ટેટ નોડલ ઓફિસર દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં ખેડૂતોને આ યોજનાનો સમયસર લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ યોજના માત્ર પ્રાકૃતિક ખેતીને જ નહીં પરંતુ દેશી ગાયોના સંવર્ધન અને સંભાળને પણ પ્રોત્સાહન આપશે, જે ગ્રામ્ય અર્થતંત્ર માટે પણ લાભદાયી
બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR