મહેસાણા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ આપેલી માહિતી મુજબ ખેલ મહાકુંભ-2025 અને સાંસદ ખેલ મહોત્સવ-2025 માટે ખેલાડીઓ ઓનલાઈન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ માટે નોંધણી https://khelmahakumbh.gujarat.gov.in પર 22 સપ્ટેમ્બર સુધી, જ્યારે સાંસદ ખેલ મહોત્સવ માટે https://sansadkhelmahotsav.in પર 20 સપ્ટેમ્બર સુધી કરી શકાશે.
આ બાબતે તા. 09/09/2025ના રોજ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. પરિમલભાઈ ત્રિવેદી અને ફીઝીકલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. રાકેશભાઈ હાજર રહ્યા હતા.
રમતોત્સવોના મુખ્ય આશય મુજબ યુવા રમતવીરોની પ્રતિભાને વિકસાવવી, સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી અને સર્વાગી વિકાસ માટે યોગ્ય મંચ પ્રદાન કરવો છે. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત મહેસાણા-4 સાંસદીય મતવિસ્તારના ખેલાડીઓ ભાગ લઈ શકશે, જ્યારે ખેલ મહાકુંભ જિલ્લામાં વ્યાપક સ્તરે યોજાશે.
જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી કિલ્લોલબેન સાપરિયાએ વધુમાં વધુ ખેલાડીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ભાગ લેવા અપીલ કરી છે જેથી મહેસાણા જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની છાપ મૂકી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR