મહેસાણા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)રાષ્ટ્રીય પોષણ માસ-2025 અંતર્ગત મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ હાથ ધરાઈ. જિલ્લાના કુલ 1,032 પી.એમ.પોષણ યોજના (MDM) કેન્દ્રોમાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલવાટિકા તથા ધોરણ 1 થી 8 ના 1,72,217 વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન અપાયું.
જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ મહેસાણા તાલુકાની ઇન્દિરાનગર (લાખવડ) શાળામાં બાળકોને ભોજન પીરસ્યું, જ્યારે નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાએ દેલા વસાહત પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ પણ વિવિધ શાળાઓમાં હાજરી આપી બાળકો સાથે ભોજન કર્યું.
બાળકોને ફોર્ટીફિકેશન તથા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી અને પોષણયુક્ત આહાર લેવાનો શપથ લેવડાવવામાં આવ્યો. સાથે એક પેડ મા કે નામે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
ફૂડ ફોર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ તથા ગ્રામ વિકાસ ટ્રસ્ટના નિષ્ણાતોએ ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના લાભ સમજાવ્યા અને તેની તપાસ પણ કરી બતાવી.
આ રીતે અધિકારીઓ, અગ્રણીઓ અને દાતાશ્રીઓની સક્રિય ભાગીદારીથી મહેસાણા જિલ્લામાં પોષણ જાગૃતિનો સંદેશ ફેલાયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR