મહેસાણા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લામાં ગૌરવ ઉમેરતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ કડીની પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કૂલ ખાતે ચાલી રહેલી ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)એ મેળવી છે. અહીં અભ્યાસ કરતા બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભારતીય હેન્ડબોલ ટીમમાં પસંદગી પામ્યા છે.
હેન્ડબોલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિહોલ જૈમીન ચેતનસિંહ અને પ્રજાપતિ ચિરાગ બેચરભાઈનું નામ ભારતની ટીમ માટે પસંદ થયું છે. હવે તેઓ આવનારી પ્રથમ એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન જોર્ડન ખાતે 14 થી 25 સપ્ટેમ્બર 2025 દરમિયાન થવાનું છે.
આ સિદ્ધિ માત્ર શાળાનું જ નહીં પરંતુ તાલુકા, જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવ લાવનારી છે. શાળા પરિવાર સહિત જિલ્લાના રમતપ્રેમીઓએ બંને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. શાળાના આચાર્ય જીગ્નેશભાઈ સોની, સંસ્થાના મંત્રી બંસીભાઈ ખમાર, હેન્ડબોલ કોચ સંતોષ કુમાર પાંડે અને ટ્રેનર ભુપેન્દ્રસિંહ ચાવડાએ ખેલાડીઓના પરિશ્રમ અને પ્રતિભાની પ્રશંસા કરી તેમને આવનારી ચેમ્પિયનશિપ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ સફળતા સાથે DLSS કડી ફરી એકવાર સાબિત કરે છે કે, ગ્રામ્ય સ્તરે પણ પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે તો તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR