સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ડુમસ વિસ્તારમાં રહેતા યુવકે ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી એક યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતીને અવારનવાર લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ યુવકે યુવતીની જાણ બહાર જ બારોબાર અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
આ વાતની જાણ થતા યુવતીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને વાત પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઈચ્છાપોર પોલીસ મથકમાં ચંદન અજય સાઉ (રહે.ઘરનં. એફ ૨૮ વિક્ટોરીયા પામબં ગ્લોઝ ડુમ્મસ રોડ) અને (મુળ વતન મકાનનં.૭૨ વોર્ડનં. ૨૪ નવી સંતોષી પાળા કેમ્પ-02જી.દુર્ગભીલાઈ શહેર છત્તીસગઢ) સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદ નોંધાવનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જૂન 2024 થી ચંદનએ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં પરંતુ શારીરિક સંબંધો બાંધ્યા બાદ યુવતીની કંપનીમાં પણ જઈ ત્યાં પણ અવારનવાર બંનેના સંબંધો વિશે લોકોને જણાવી યુવતીને બદનામ કરી હતી. લાંબો સમય થવા છતાં પણ ચંદન લગ્ન નહીં કરતા આખરે યુવતીએ તેને લગ્ન કરવા માટે દબાણ આપ્યું હતું. આ દરમિયાન યુવતીને જાણ થઈ હતી કે ચંદનની સગાઈ અન્ય કોઈ યુવતી સાથે થઈ ગઈ છે. જેથી યુવતીએ ચંદનને પૂછતા ચંદનને પણ તેની સામે આક્ષેપો કર્યા હતા. જેથી આખરે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને ચંદનને યુવતીનું શારીરિક શોષણ કરતા આખરે તે ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચી ગઈ હતી. બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ તમામને ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે