સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના બ્રેડ લાઈનર સર્કલ પાસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા ઠગબાજ ઈસમે ઉમરા વિસ્તારમાં રહેતા વેપારીને સિંગાપોરની ટુર પેકેજના નામે રૂપિયા 6.10 લાખ પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ વેપારીને ટુર પર નહીં મોકલી પૈસા પણ પરત આપ્યાના હતા. જેથી ભોગ બનનાર વેપારીએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં વેપારી પાસેથી પૈસા પરતની માંગણી કરતા ઠગ બાજ ઇસમે એલ ફેલ ગાળો આપી પોતે આત્મહત્યા કરી ખોટા કેસમાં તમને ફસાવી દેશે તેવી ધમકીઓ આપી હતી અને પૈસા પણ પરત નહીં આપી ટૂર પણ મોકલ્યા ન હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાના અહેસાસ થતા તેઓએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ બાજ ઈસમ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉમરા સીટીલાઈટ વિસ્તારમાં સેજલ એપાર્ટમેન્ટમાં રહેતા 57 વર્ષીય મનોજભાઈ ખાનચંદ સચદેવા વેપાર ધંધો કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. તેઓ છ મહિના પહેલા ભટાર રોડ પર બ્રેડ લાઈનર શોપ સામે સિદ્ધિ રચના એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ અગ્રવાલ ના સંપર્કમાં આવ્યા હતા. પ્રકાશ અગ્રવાલએ હાઉસ ઓફ હોલિડે નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી ચલાવતો હતો. આ સમયે મનોજભાઈ તેમના સંપર્કમાં આવતા મનોજભાઈએ તેમની પાસે સિંગાપોર માટે ટુર પેકેજ ની ડિમાન્ડ કરી હતી. જેથી પ્રકાશ અગ્રવાલ એ પાંચ દિવસ અને 4 નાઈટના સિંગાપુર ટુર પેકેજના એડવાન્સ પેટે રૂપિયા 6.10 લાખ મનોજભાઈ પાસેથી લઈ લીધા હતા અને ટુકડે ટુકડે એડવાન્સ પેમેન્ટ લીધા બાદ તેમને અને પરિવારના સભ્યોને સિંગાપોરની ટુર નહીં કરાવી પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. જેથી મનોજભાઈએ અવારનવાર પૈસા પરત આપવા માટે માંગણી કરતા પ્રકાશ અગ્રવાલ એક પણ રૂપિયો પરત નહીં આપી અને બાદમાં એલફેલ ગાળો આપી હતી. એટલું જ નહિ પરંતુ હવે જો પૈસાની માંગણી કરશે તો પોતે આત્મહત્યા કરી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે મનોજભાઈએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ અગ્રવાલ સામે રૂપિયા 6.10 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે