અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુસર અંબુજા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, યુવા મંડળો તથા ગ્રામજનોની ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી.
કાર્યક્રમ દરમ્યાન વિવિધ જાતના પર્યાવરણલક્ષી વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા. ગામના પ્રાથમિક શાળા પરિસર, જાહેર સ્થળો અને રસ્તા કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ પછી હાજર સૌએ માત્ર વાવેતર પૂરતું ન રહી, પરંતુ રોપાઓની માવજત કરી તેમને સજગતાપૂર્વક ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી.
અંબુજા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનો સામનો કરવા વૃક્ષારોપણ સૌથી અસરકારક માર્ગ છે. વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરાં પાડતા નથી, પરંતુ પ્રાણીસૃષ્ટિને આશરો આપે છે, માટીની ઉર્વરતા જાળવે છે અને ગામની સુંદરતા વધારવામાં પણ મદદરૂપ બને છે.
ધજડી ગામના ગ્રામજનો આ પહેલને લઈને આનંદિત થયા હતા અને આ કાર્યક્રમ ગામમાં હરિયાળી વધારવા તથા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ સર્જવામાં એક નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai