ગાંધીનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) એ પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો, જે વિકાસિત ગુજરાતના વિઝન હેઠળ વિકાસની વ્યૂહરચનાઓને આગળ ધપાવતા રાજ્યના અગ્રણી થિંક-ટેંક તરીકેની એક વર્ષની સફરને દર્શાવે છે. આ અવસરે, GRIT દ્વારા જ્ઞાનવિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચા માટે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ડેપ્યુટી ગવર્નર ડૉ. પૂનમ ગુપ્તાના મુખ્ય ભાષણથી થઈ, જેમણે “ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક” વિષય પર માર્ગદર્શનઆપ્યું.
ડૉ. ગુપ્તા હાલ RBIમાં મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સિયલ માર્કેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ, ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી ડિપાર્ટમેન્ટ વગેરેના કાર્ય સંભાળી રહ્યા છે. RBIમાં જોડાયા પહેલા તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા, જે ભારતનું સૌથી મોટું આર્થિક નીતિ સંશોધન થિંક-ટેંક છે. તેઓ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (2021-25)ના સભ્ય તેમજ 16મા વિત્ત આયોગની સલાહકાર પરિષદના સંયોજક પણ રહ્યા છે. આ સિવાય તેમણે ભારત તેમજ વિદેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું છે.
આગામી સમયમાં GRITની સ્થાપના દિવસની વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ખ્યાતનામ નેતાઓ, નીતિનિર્માતાઓ તથા વિષય નિષ્ણાતો ભાગ લેશે, જેથી ગુજરાતની વિકાસ ગાથાને આગળ વધારવા માટે સંવાદ અને ચર્ચાને વેગ મળશે.
ગુજરાત સરકારે “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)”ની સ્થાપના 12 સપ્ટેમ્બર 2024ના રોજ સ્વાયત્ત સંસ્થા તરીકે કરી હતી, જેનુ મુખ્ય ધ્યેય રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓને આગળ વધારવાનું અને ‘વિક્સિત ભારત’ના વિઝનને ‘વિક્સિત ગુજરાત’ દ્વારા સાકાર કરવાનું છે. આ સંસ્થા, કેન્દ્રની નીતિ આયોગ દ્વારા અમલમાં મુકાયેલા સ્ટેટ સપોર્ટ મિશન અંતર્ગત રચાઈ છે, જેથી રાજ્યો તેમના વિકાસ પ્રયત્નોને મજબૂત બનાવી શકે અને સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (SITs) સ્થાપી શકે.
GRIT રાજ્ય સ્તરે થિંક-ટેંક તરીકે કાર્ય કરે છે, જેનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ અને નવીન ઉકેલો પર કેન્દ્રિત છે, જેથી ગુજરાતનું સામાજિક-આર્થિક રૂપાંતર રાજ્ય તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત રીતે આગળ વધે. વધુમાં, GRITને ઉદ્યોગ, કૃષિ, રોકાણ અને નિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંતુલિત આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રગતિની દેખરેખ રાખવા અને ભલામણો કરવાની કામગીરીની સોંપણી કરવામાં આવી છે.
પ્રથમ વર્ષ દરમિયાન GRITએ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે TFC રિપોર્ટના અમલની પ્રગતિની ત્રિમાસિક સમીક્ષા,TFC રિપોર્ટમાં ભલામણ કરાયેલા હસ્તક્ષેપોને મજબૂત બનાવવા માટે ઊંડાણપૂર્વકના અભ્યાસ,ક્ષેત્રવાર નીતિ સમીક્ષાઓ તથા નીતિ પેપર્સનું પ્રકાશન,નીતિ આયોગ દ્વારા G-Hub ફ્રેમવર્ક આધારિત સુરત ઇકોનોમિક રીજીયનના પ્લાનના પાયલોટ પ્રોજેક્ટની જેમ જ ગુજરાતના પાંચ વિસ્તારો માટે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવું, વિક્સિત ગુજરાત @ 2047 હાંસલ કરવા અમલીકરણ માર્ગરેખા તથા મોનીટરીંગ મિકેનિઝમ તૈયાર કરવાનું, ગુજરાત @ 75 પર અહેવાલ તૈયાર કરવો: એજન્ડા ફોર 2035 જે રાજ્યના વિઝન સાથે 75મા વર્ષની ઉજવણી સાથે સંકળાયેલ છે, અસ્તિત્વમાં રહેલી નીતિઓનું મૂલ્યાંકન કરી પુરાવા આધારિત ગવર્નેન્સ સુનિશ્ચિત કરવું વિગેરે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
SSM માર્ગદર્શિકા અનુસાર GRITએ IIM સાથે મુખ્ય જ્ઞાન સંસ્થા(LKM) તરીકે MoU પર હસ્તાક્ષર,PDEU સાથે MoU, તેમજ રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો પ્રારંભ જેવી વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી છે.
અત્યાર સુધી GRITએ કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, પોષણ, સ્ટાર્ટઅપ્સ અને પ્રાદેશિક આર્થિક કેન્દ્રો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતા છ ક્ષમતા વિકાસ કાર્યક્રમો યોજ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ