પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ-ઉઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રીની આવકમાંથી અબોલ પશુઓની સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો છે. ખેલૈયાઓ માટે માત્ર પરંપરાગત પોશાકમાં આવવાની શરત રાખવામાં આવી છે. પ્રવેશ ટિકિટ 200 રૂપિયા રાખવામાં આવી છે અને ગરબાનો સમય રાત્રે 9 થી 12નો રહેશે.
ખોડાભા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષા માટે CCTV કેમેરા, પાંચ ઘન મેન, પાંચ બાઉન્સર્સ તથા લેડીઝ અને જેન્ટ્સ સિક્યુરિટી સ્ટાફની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખેલૈયાઓની તાત્કાલિક સારવાર માટે મેડિકલ કેમ્પ, ICU વાન અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહેશે. વિસ્તૃત પાર્કિંગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રસિદ્ધ કલાકારોએ દસ દિવસ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવવાની છે. ખાસ કરીને 17 સપ્ટેમ્બરે રાત્રે 8 થી 11 દરમિયાન શક્તિ વંદના સાથે પ્રાચીન બેઠક ગરબાનું આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના ત્રણ કલાકારો પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે. કાર્યક્રમની માહિતી આપવા આયોજકો ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ, હર્ષ પટેલ, અંકિત ભટ્ટી અને ધવલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ