સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન
યાત્રાથી ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનો અનોખો પ્રયાસ કર્યો છે
સૌ સમાજ એકજુટ થઈ જય સરદારના નારા લગાવી એકતાની મિશાલ દર્શાવી હતી
ભરૂચ, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ 562 રજવાડા એક કર્યા હતા તેમની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સૌના સરદાર સન્માન યાત્રા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાના યોગદાનથી પ્રેરિત આ યાત્રા દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનો અનોખો પ્રયાસ છે.
સૌના સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બરે બારડોલી શરૂઆત કરી 22 સપ્ટેમ્બરે પવિત્ર સોમનાથ ધામ સુધી 12 દિવસની રહેશે, જે દરમ્યાન કુલ 1800 કિ.મી.નું અંતર કાપી 355 ગામોમાં 62 તાલુકા ,40 નદીઓ,18 જિલ્લામાં ફરી સરદાર સાહેબના સંભારણાની અને તેમણે અનખંડ ભારતના જે સપના સાકાર કર્યા હતા તેની યાદો સાથે સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચવાની છે. ત્યારે આ યાત્રાનો પ્રારંભ ગુરુવારે સવારે બારડોલીથી થયો હતો અને બપોર પછી સુરત પહોંચી બીજા દિવસે અંકલેશ્વર આગમન થતા સરદારમય બની ગયું હતું. યાત્રાનું વિવિધ સંસ્થાઓ જેમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, સરદારધામ, ખોડલધામ, એસપીજી, બ્રહ્મ સમાજ, રાજસ્થાન શ્યામ મિત્ર મંડળ, લાયન્સ, જેસીઆઈ, રોટરી, ભરૂચ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, 42 ગામ 12 ગામ લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, ભરૂચ બીએપીએસ, ઝાડેશ્વર ગામ બીજી અનેક સેવાકીય તેમજ સામાજીક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા ગોપાલ વસ્તરપરા (ચમારડી) દ્વારા આયોજિત સૌના સરદાર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રાને ઠેરઠેર બહેનો દ્વારા કંકુ-તિલક અને સભ્યો દ્વારા પુષ્પવર્ષા સાથે સરદાર સન્માન યાત્રાનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો અને રાષ્ટ્રપ્રેમી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ