અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુસર લીલીયા ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ વર્ષે આ મહોત્સવની યજમાની લીલીયાની સરકારી વિનય અને વાણિજ્ય કોલેજે સંભાળી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ સ્થાનિક આગેવાનોની હાજરી રહી હતી.
મુખ્ય કાર્યક્રમરૂપે કોલેજ કેમ્પસમાં વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. પીપળા, વાડ, લીંબડો, કાઠો, આમલી જેવા પર્યાવરણને અનુકૂળ વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. સૌએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સ્વીકારીને વૃક્ષારોપણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ અવસર પર વન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત લોકોને વૃક્ષોના મહત્વ અંગે જાગૃત કર્યા હતા. તેમણે જણાવ્યું કે વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરાં પાડતા નથી, પરંતુ માટીનું ધોવાણ અટકાવવાનું, વરસાદમાં વધારો કરવાનું તેમજ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો મહત્ત્વનો ભાગ ભજવે છે.
સ્થાનિક આગેવાનો તથા કોલેજના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે વૃક્ષારોપણ તો શરૂઆત છે, પરંતુ સાચી પ્રતિબદ્ધતા ત્યારે સાબિત થશે જ્યારે આ રોપાઓને સાચવીને મોટાં વૃક્ષો બનાવવામાં આવશે. કાર્યક્રમ અંતે સૌએ ‘એક વ્યક્તિ – એક વૃક્ષ’નું સંકલ્પ લેતાં હરિયાળું લીલીયા બનાવવા દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai