રાજુલાના ભચાદર ગામે ત્રણ સિંહોના આંટાફેરાથી ચકચાર : બે પશુઓનું મારણ
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામે આજે સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ. માહિતી મુજબ, શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોએ ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન બે પશુઓ પર હુમલો કરી તેમનું મારણ ક
રાજુલાના ભચાદર ગામે ત્રણ સિંહોના આંટાફેરાથી ચકચાર : બે પશુઓનું મારણ


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામે આજે સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ.

માહિતી મુજબ, શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોએ ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન બે પશુઓ પર હુમલો કરી તેમનું મારણ કર્યું હતું. ઘટનાથી ગામમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ભયભીત બન્યા હતા.

સિંહોના આંટાફેરાની જાણ થતા તાત્કાલિક વન વિભાગની ટીમ ગામે પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. સાથે જ, ગામજનોને સાવચેત રહેવા તથા રાત્રિના સમયમાં ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો. વન અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તાર સિંહોના કોરિડોરમાં આવતો હોવાથી ક્યારેક શિકારની શોધમાં તેઓ ગામની આસપાસ આવી જાય છે.

ગામજનો દ્વારા મારણ થયેલા પશુઓ માટે વળતરની પ્રક્રિયા શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. વન વિભાગે પણ ખાતરી આપી છે કે નિયમ મુજબ વળતર આપવામાં આવશે.

આ ઘટના ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે ગીર વિસ્તારના સિંહો માનવ વસાહતના નજીક આવતા રહે છે, જેના કારણે માનવ અને વન્યજીવન વચ્ચેનું સંતુલન જાળવવું અગત્યનું બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande