પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને ગુજરાતના મિલ્ખાસિંહ તરીકે ઓળખાતા કર્નલ નિતિન જોષીએ લખનઉમાં યોજાયેલી મેરેથોનમાં 50 વર્ષથી વધુ વયની કેટેગરીમાં 21 કિમી દોડમાં પ્રથમ સ્થાન મેળવી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. લખનઉ મેરેથોનમાં વિજય મેળવતાં તેમને અધિકારીઓના હસ્તે મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા.
કર્ણલ જોષી હાલમાં ભારતીય સેવામાં કર્નલ તરીકે ફરજ બજાવે છે અને દેશસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓએ અત્યાર સુધી અનેક રનિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને વિશિષ્ટ વાત એ છે કે દરેક સ્પર્ધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આઈસમેન અને આયર્નમેન જેવી ઉપાધિઓ ધરાવતા કર્નલ નિતિન જોષીની સાહસિકતા અને સંઘર્ષમય યાત્રા આજે યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. તેઓ સતત યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અને દેશસેવામાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ