100 કરોડની “દીકરી દત્તક યોજના” નો પ્રારંભ કરવામાં આવ્યો
દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ તરફ ઐતિહાસિક પગલું ભર્યું સરદારધામે
નબળા વર્ગની દીકરીઓને રહેઠાણ, ભોજન અને શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
સરદારધામના આ શિક્ષણ અને યુવાશક્તિના વિકાસ માટેનું મોડેલ સમાજમાં માટે છે અમિત શાહ
સરદારધામની આ પહેલ સમાજના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે ભુપેન્દ્ર પટેલ
ભરૂચ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
મિશન 2026 અંતર્ગત સરદારધામ વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ ખાતે આજરોજ ગૃહ અને સહકારિતા મંત્રી ભારત સરકારના અમિત શાહના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ કન્વીનર સહ કન્વીનર તેમજ સભ્યોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશિષ્ટ ઉપસ્થિતિ સાથે જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમાજના સર્વાંગી વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુવાનો માટે શિક્ષણ, રોજગાર, વ્યવસાય અને સમાજસેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 100 કરોડ રૂપિયાની “સરદારધામ દીકરી દત્તક યોજના” નું લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે સમાજના ગરીબ, જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે સરદારધામ દ્વારા શરૂ કરવામાં આવેલી 100 કરોડ રૂપિયાની “દીકરી દત્તક યોજનાનું વિધિવત્ લોન્ચિંગ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.આ યોજના હેઠળ સરદારધામમાં અભ્યાસ કરતી તેજસ્વી, મા-બાપ વિનાની, ખેતમજૂર અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને રહેઠાણ, ભોજન અને શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સમાજ વિકાસ માટેનું આહ્વાન કરવામાં આવ્યું અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે યુવા શક્તિ સૌથી મોટું સાધન છે. તેમણે સમાજના આગેવાનો અને યુવાઓને એકતા, સહકાર અને સેવા ભાવનાથી કાર્ય કરીને નવા આયામ સર કરવા માટે પ્રેરિત કર્યા હતા.તેમજ સર્વ સમાજને પણ સરદારધામના આ શિક્ષણ અને યુવાશક્તિના વિકાસ માટેના મોડેલનો અમલ કરી સમાજના વિકાસ માટે યથાશક્તિ કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યએ ગુજરાત સરકાર હંમેશાં શિક્ષણ અને સમાજસેવા માટે કાર્યરત છે. સરદારધામની આ પહેલ સમાજના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.આ કાર્યક્રમમાં સરદારધામના ટ્રસ્ટીઓ, આગેવાનો, સમાજસેવકો ઉપસ્થિત રહી સમારોહને ભવ્ય સફળતા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ